ગુજરાત
News of Tuesday, 12th February 2019

અમદાવાદમાં શ્રી નવાખલ શ્વે. મૂ. પૂ. જૈન સંઘના આંગણે જિનાલયની ૫૦મી સાલગીરીઃ ગુરૂવારથી ત્રિદિવસીય મહોત્સવ

રાજકોટ, તા. ૧૨ :. શ્રી નવાખલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં જિનાલયની ૫૦મી સાલગીરી તથા પરમાત્માના નૂતન ગૃહ ચૈત્યમા પ્રવેશ પુનઃ સ્થાપનાના અમૂલ્ય અવસરે ત્રિદિવીસય ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

નવાખલ નગરીમાં અવનીનાં અલંકારરૂપ સૃષ્ટિના શણગારરૂપ 'શ્રી શ્રેયાંસનાથ દાદા' બિરાજમાન છે અને તેમની ૫૦મી સુવર્ણ વર્ષ સાલગીરી શનિવાર તા. ૧૬ના રોજ છે. શ્રી શ્રેયાંસદાદા તથા તેમના પરિવારનો નૂતન ગૃહમાં ચૈત્યમાં પ્રવેશ કરાવી પુનઃ સ્થાપનાને અનુલક્ષીને ત્રિદિવસીય ભવ્ય મહોત્સવનું આયોજન કરેલ છે.

જેમાં ગુરૂવાર તા. ૧૪ સવારે ૭ કલાકે કુંભ સ્થાપના, દિપક સ્થાપના તથા ક્ષેત્રપાલ સ્થાપના સવારે ૯ વાગ્યે, ભગવાનની શોભાયાત્રા સવારે ૧૦.૩૦ કલાકે, પાટલા પૂજન બપોરે ૨ વાગ્યે અઢ્ઢાર અભિષેક યોજાશે.

શુક્રવાર તા. ૧૫ સવારે ૯.૨૭ કલાકે નૂતન ગૃહ ચૈત્યમાં પરમાત્માનો પ્રવેશ, પરમાત્મા તથા ગુરૂમૂર્તિની પુનઃ સ્થાપના તથા ધ્વજારોહણ - કુમકુમ થાળી, કોઠી - ગોળી સ્થાપન કરાશે.

મહોત્સવના અંતિમ દિને શનિવાર તા. ૧૬ને સવારે ૫.૧૫ કલાકે નૂતન ગૃહનું ચૈત્યનું દ્વારોદ્ઘાટન સવારે ૯ કલાકે મૂળનાયક શ્રી શ્રેયાંસનાથ ભગવાન પર સ્નાત્ર પૂજન યોજાશે.

મહોત્સવ દરમ્યાન, વિધિવિધાન કરાવવા પંડિતવર્ય હેમંતભાઈ શાહ તથા સંગીતકાર રૂપેશભાઈ ભટ્ટ, મહોત્સવ દરમિયાન જીવદયા-અનુકંપા-સાધર્મિક ભકિત વૈયાવચ્ચભકિતના કાર્યો, મહોત્સવ દરમિયાન પધારનાર સર્વશ્રી પ્રથમ બે દિવસ ત્રણે સમયની સાધર્મિક ભકિત અને ત્રીજા દિવસે નવકારશી તથા બપોરે સ્વામિવાત્સલ્યની સાધર્મિક ભકિત કરવામાં આવશે.

પ.પૂ. સાધ્વી શ્રી હેમકલાશ્રીજી મ.સા.ના સંયમજીવનના ૫૦ વર્ષ, સુવર્ણ વર્ષ શનિવાર તા. ૧૬ના રોજ હોય તે નિમિતે પૂ. સાધ્વીજી મહારાજ સાહેબના ગુણાનુવાદ તથા કામળી વહોરાવી તેઓશ્રીનું તથા સાથી સાધ્વીજી મ.સા.નું અભિવાદન તથા સંજોગો અનુસાર વિનંતીને આધારે જે કોઈ પૂ. સાધુ-સાધ્વીજી મ.સા. પધારશે તો તેમનુ કામળી વહોરાવી અભિનંદન કરાવવામાં આવશે. ત્યાર બાદ નૂતન ગૃહ ચૈત્યના નિર્માણના સહયોગી દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવશે તેમ નવિન શાહની અખબારી યાદી જણાવે છે.

મહોત્સવમાં પાવન નિશ્રામાં પૂ. ગચ્છાધિપતિ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર પૂ. વ્યાખ્યાનકાર શ્રી નિરંજનસાગરસૂરીશ્વરજી મ.સા. આદીઠાણા, શ્રી નેમિ ઉદય મેરૂપ્રભસૂરીશ્વરજી મ.સા., આ ઈન્દ્રસેનસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. આ. શ્રી વિજય હર્ષસેનસુરીશ્વરજી મ.સા.ના શિષ્ય શ્રી પાર્શ્વસેનવિજયજી મ.સા. આદિઠાણા પ.પૂ. સંઘસ્થવીર સિદ્ધિસૂરીજી (બાપજી) મ.સા.ના આજ્ઞાવર્તી પ.પૂ. રામચંદ્રસુરીજી મ.સા.ના આજ્ઞાવર્તી વિદુષી સાધ્વી પ.પૂ. હેમલતાશ્રીજી મ.સા. તથા તેમના શિષ્યા પ.પૂ. સાધ્વીજી શ્રી ચંદ્રશીલાશ્રીજી મ.સા., પ.પૂ. સાધ્વીજી હેમમાલાશ્રીજી મ.સા. પ.પૂ. સાધ્વીજી હેમકલાશ્રીજી મ.સા. તથા પ.પૂ. સાધ્વીજી વિરાગયશાશ્રીજી મ.સા., કલીકુંડ તિર્થોધ્ધારક પ.પૂ. આ. શ્રી વિજયરાજેન્દ્રસુરી મ.સા.ના આજ્ઞાવર્તી પૂ. સુશિષ્ય સાધ્વી શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ.સા.ના સુશિષ્યા પરમ વિદુષી સાધ્વી શ્રી ઈન્દ્રકલાશ્રીજી મ.સા. તથા મૃદુકલાશ્રીજી મ.ને વિનંતી કરેલ છે. અનુકુળતા મુજબ પધારશે.

શ્રી નવાખલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ મુ. નવાખલ, જી. આણંદ સંપર્ક સૂત્રઃ ૯૮૯૮૯ ૬૬૯૫૬, મો. ૯૪૨૬૦ ૨૫૪૩૫, મો. ૬૩૫૨૬ ૨૨૫૨૦. 

(3:33 pm IST)