ગુજરાત
News of Tuesday, 12th February 2019

એઈમ્સનું ખાતમુહુર્ત લોકસભાની ચૂંટણી પછીઃ મોદીનો રાજકોટનો કાર્યક્રમ નથી

રાજકોટ, તા. ૧૨ :. ભારત સરકારે રાજકોટને એઈમ્સ ફાળવવાની ગયા મહિને જાહેરાત કરી છે. તેનુ ખાતમુહુર્ત લોકસભાની ચૂંટણી પહેલા જ થઈ જાય તેવી ધારણા હતી પરંતુ સરકાર અને ભાજપના ટોચના વર્તુળો તે શકય બનવાનુ નકારે છે. એઈમ્સ માટે જામનગર રોડ પર જમીનની મંજુરી અને સંપાદન તેમજ પ્લાનને લગતી પાયાની કામગીરી બાકી છે. આ બધી કામગીરી આચારસંહિતા લાગુ પડે તે પૂર્વે પુરી થઈ શકે તેમ નથી તેથી એઈમ્સનું ખાતમુહુર્ત લોકસભાની ચૂંટણી પછી જ કરવાનું નક્કી થયાનું જાણવા મળે છે. જો કે ભાજપના અમુક આગેવાનો હજુ યુદ્ધના ધોરણે કામગીરી પુરી કરાવી ચૂંટણી જાહેર થતા પૂર્વે ખાતમુહુર્ત કરાવવા ઈચ્છુક છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ફેબ્રુઆરી અંત અને માર્ચના પ્રારંભે ગુજરાત આવી રહ્યા છે. જામનગર જિલ્લામાં સરકારી યોજના સંબંધી તેમનો કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે. રાજકોટમાં તેમનો કોઈ કાર્યક્રમ હોવાનું ભાજપના વર્તુળો નકારે છે. ચૂંટણી જાહેર થઈ ગયા પછી રાજકોટમાં તેમની પ્રચાર સભા થાય તેવી શકયતા નકારાતી નથી.

(3:15 pm IST)