ગુજરાત
News of Saturday, 12th January 2019

રાજ્યમાં પાણી પર પહેરો :ડેમ અને કેનાલો ઉપર 24 કલાક બંદોબસ્ત ગોઠવાયો :પાણી ચોરી રોકવા પાણીદાર વ્યવસ્થા

રાજકોટના આજી ડેમ પર ચાર પોલીસ તૈનાત : ઉંડ-1, સરસોઈ ડેમ, મચ્છુ ડેમ સહિત સૌરાષ્ટ્રના લગભગ 10 જેટલા ડેમ પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ

 

રાજકોટ :રાજ્યમાં ચાલુ વર્ષે ચોસામામાં ઓછો વરસાદ થયો હોવાથી અત્યારથી અનેક જળાશયોના તળીયા દેખાય રહ્યાં છે. ત્યારે જે ડેમમાં પાણી છે તે ડેમમાંથી પાણી ચોરીના બનાવો અટકાવવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ડેમ અને કેનાલો ઉપર પોલીસ બંદબોસ્ત ગોઠવવામાં આવ્યો છે.

  સુત્રોના જણાવ્યા અનુસાર ચોમાસામાં ઓછો વરસાદ થયો હોવાથી જળાશયોમાં નહીંવત પાણીની આવક થઈ હતી. શિયાળાના આરંભ સાથે કેટલાક જળાશયોમાં તળીયા દેખાય રહ્યાં છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની વિકટ સમસ્યા સર્જાવાની શકયતા છે. જે ડેમમાં પાણી છે તેની જાળવણી માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

  રાજકોટના આજી ડેમમાંથી પાણી ચોરી અટકાવવા માટે 4 પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જવાનો સઘન પેટ્રોલીંગ કરી રહ્યાં છે. ઉપરાંત ઉંડ-1, સરસોઈ ડેમ, મચ્છુ ડેમ સહિત સૌરાષ્ટ્રના લગભગ 10 જેટલા ડેમ ઉપર પોલીસ બંદબોસ્ત ગોઠવવામાં આવ્યો છે. લગભગ એક મહિના સુધી પોલીસ જવાનો તમામ ડેમ ઉપર તૈનાત રહેશે અને રાઉન્ડ કલોક પેટ્રોલીંગ કરશે.

  ચોમાસામાં ઓછા વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું છે. ખેડૂતોએ હાલ રવી પાકનું વાવેતર કર્યું છે. ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકારે નર્મદા કેનાલમાં પાણી છોડ્યું છે, અનેક વિસ્તારોમાં હજુ સુધી ખેડૂતોને સિંચાઈનું પાણી મળ્યું નથી. જેથી ખેડૂતોએ સરકારને સિંચાઈ માટે પાણી છોડવા માટે અનેક વખત માંગણી કરી છે તેમજ કલેકટર અને મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું હતું.

(11:09 pm IST)