ગુજરાત
News of Saturday, 12th January 2019

ઉચ્ચ શિક્ષણ આપતી ૩૦ ટકા કોલેજો છતાં ઘણી બેઠકો ખાલી

ઉચ્ચ શિક્ષણને લઈ નિરાશાજનક ચિત્ર રહ્યું છે : વર્ષ ૨૦૧૮માં એન્જિનિયરીંગ અને ટેકનિકલમાં શિક્ષણ આપનાર કોલેજોમાં ૫૪ ટકાથી વધારે બેઠકો ખાલી રહી

અમદાવાદ,તા.૧૨ : ગુજરાતમાં હાલ ઉચ્ચ શિક્ષણમાં ૫૪ ટકા બેઠક ખાલી રહે છે. બેરોજગારી અને બેફામ ફી વધારાથી લઇ ઓછી ટકાવારી અને સેલ્ફ ફાયનાન્સ કોલેજોની આડેધડ કરાયેલી ફાળવણી જેવા કારણોથી ગુજરાતનો યુવાન કોલેજોમાં જતો બંધ થઇ રહ્યો છે. એન્જીનીયરિંગ અને ટેકનીકલ અભ્યાસના બદલે ૭૦ ટકા યુવાનો આર્ટસ, કોમર્સ કે સાયન્સ પસંદ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં એક લાખ યુવાનોને ઉચ્ચ શિક્ષણ આપતી માત્ર ૩૦.૫ ટકા જ શૈક્ષણિક સંસ્થાઓ છે. જે ગુજરાતની વસ્તી પ્રમાણે માત્ર ૫ થી ૬ ટકા જ છે.

   સમગ્ર દેશમાં સરકારી ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓમાં ગુજરાતનો હિસ્સો ઘટીને ૨૨.૪૦ ટકા જ થઇ ગયો છે. તેની સામે ખાનગી ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓમાં ગુજરાતનો હિસ્સો વધીને ૨૦.૨૦ ટકા જેટલો થઇ ગયો છે. ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૧૧માં ઉચ્ચતર શિક્ષણ આપતી સરકારી અને ખાનગી સંસ્થાઓ ૧૬૬૪ જેટલી હતી. જે વર્ષ ૨૦૧૭માં વધીને ૨૦૦૩ થઇ ગઈ છે. તે પૈકી ૬૬ ટકા એટલે કે, ૧૩૨૦ જેટલી સંસ્થાઓ તો ખાનગી છે. આ આડેધડ રીતે અપાયેલી ખાનગી - સેલ્ફ ફાયનાન્સ કોલેજો મનફાવે તેમ બેફામ ફી વસુલે છે. જો કે, ઘણી ટેકનીકલ કોલેજોને છેલ્લા બે-ત્રણ વર્ષથી તાળાં મારવામાં આવી રહ્યા છે. કારણ કે, કોઈ યુવાનો આ કોલેજોમાં જતા જ નથી. જેના પરિણામે ગયા વર્ષે ૨૦૧૮માં જ એન્જીનીયરિંગ અને ટેકનીકલ અભ્યાસ આપતી કોલેજોમાં ૫૪ ટકા બેઠક ખાલી રહી. આ કોલેજો બંધ થવાના કે તેમાં માત્ર ૫૦ ટકા જેટલી જ સંખ્યા થવામાં બદલાતા શૈક્ષણિક પ્રવાહો સાથે બેરોજગારી પણ છે. લખલૂંટ ફી ભરીને પણ નોકરી મળે નહિ તેના કારણે સરકારે શિક્ષણનો વેપલો કરી આડેધડ ફાળવેલી સેલ્ફ ફાયનાન્સ-ખાનગી કોલેજો ખાલીખમ રહે છે.

ગુજરાતમાં ૭૦ ટકા જેટલા યુવાનો ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગ દ્ધારા આર્ટસ, સાયન્સ કે કોમર્સ લાઈન પસંદ કરે છે. પરંતુ ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગ દ્ધારા ઉભી કરાતી આવી કોલેજોની સંખ્યા પણ ઘણી ઓછી છે. ભાજપના ૨૨ વર્ષના શાસનમાં ગુજરાતમાં એક લાખ યુવાનોએ ઉચ્ચ શિક્ષણ આપતી માત્ર ૩૦.૫ ટકા જ શૈક્ષણિક સંસ્થાઓ છે. જે ગુજરાતની વસ્તી પ્રમાણે માત્ર ૫થી ૬ ટકા જ છે. જ્યારે તેલંગણા જેવા નવા-નાના રાજ્યોમાં પણ એક લાખ યુવાનો દીઢ ૫૬૫ જેટલી સંસ્થા ઉચ્ચ શિક્ષણ આપે છે.

(8:35 pm IST)