આણંદ નજીક મોગરીમાં શાળાની પાછળ હુક્કાબારની આડમાં ગાંજો પિતા 5 વિદ્યાર્થીઓની રંગે હાથે ધરપકડ
આણંદ: નજીક આવેલા મોગરી ગામની અંધઅપંગ સ્કૂલની પાછળ ગઈકાલે રાત્રીના સુમારે હુક્કાબારની આડમાં ગાંજો પીતા પાંચ વિદ્યાર્થીઓ ઝડપાયા હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. જો કે આ વાતને વિદ્યાનગર પોલીસ દ્વારા રદીયો આપીને અમે આવા કોઈ વિદ્યાર્થીઓ પકડ્યા નથી તેમ કહેવાઈ રહ્યું છે. જો કે ચર્ચાતી વાતો અનુસાર પોલીસે મોટો તોડ કરીને સમગ્ર ઘટના ઉપર ઢાંકપીછોડો કરી લીઘો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોગરી ગામની અંધઅપંગ સ્કૂલની પાછળ આવેલા એક મકાનમાં વિદ્યાનગરમાં ભણવા માટે આવેલા સુરત અને અન્ય શહેરના પાંચેક જેટલા વિદ્યાર્થીઓ ભાડેથી રહે છે. તેઓ દ્વારા ગઈકાલે રાત્રીના સુમારે હુક્કામાં ગાંજો ભરીને પીતા હોવાની માહિતી પોલીસને મળી હતી જેથી પોલીસે છાપો મારીને આ પાંચેય વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા હતા અને બાદમાં મોટો તોડ કરીને સમગ્ર વાત પર પડદો પાડી દીધો હતો. જો કે આજે સવારથી જ આ વાત વિદ્યાનગરના કોલેજ કેમ્પસમાં ચર્ચાનો વિષય બની હતી.