ગુજરાત
News of Saturday, 12th January 2019

રાજકોટથી અમદાવાદ ગયેલ અઢી કરોડનું ગૂમ થયેલ સોના મામલે સ્વ.સુરૂભા ઝાલાના કસ્ટોડીયલ ડેથની તપાસ હવે સીઆઇડીને સુપ્રત કરતી હાઇકોર્ટ

ચકચારી મામલાઓની તપાસ ચલાવતી સીઆઇડીને વધુ એક તપાસ સુપ્રત થઇઃ ડીવાયએસપી કે.ટી.કામરીયાએ હાઇકોર્ટમાં રિપોર્ટ કરેલ કે પુરાવા મળ્યા તેવા કોઇને પણ છોડાયા નથી

રાજકોટ, તા., ૧૨: રાજકોટથી અમદાવાદ અઢી કરોડનું સોનુ રસ્તામાં ગૂમ થવાના ચકચારી મામલે મૂળ લીંબડી પંથકના સુરૂભા ઝાલાના અમદાવાદ (બોપલ) પોલીસ મથકમાં પોલીસના કહેવાતા ત્રાસથી થયેલ મૃત્યુની તપાસ સાણંદ પોલીસ પાસેથી લઇ હાઇકોર્ટે સીઆઇડી ક્રાઇમને તપાસ સુપ્રત કરી છે. પરીવારની સીઆઇડી અથવા સીબીઆઇને તપાસ સુપ્રત કરવાની માંગણી પરથી આ હુકમ કરવામાં આવ્યો છે.

કુરીયર કંપનીમાં ફરજ બજાવતા સ્વ. સુરૂભા ઝાલાની સાણંદના એલસીબી દ્વારા ૧૩ ઓકટોબરે બગોદરા નજીકથી ધરપકડ કરી તેને પોલીસ મથકમાં લાવવામાં આવ્યા આવેલ. પરીવારના આક્ષેપ મુજબ પુછપરછ  દરમિયાન પોલીસના અત્યાચારના કારણે તેનું મૃત્યુ નિપજયું હતું.

આ મામલામાં સાણંદના ડીવાયએસપી  કે.ટી.કામરીયાને હાઇકોર્ટે કોર્ટમાં પણ બોલાવેલ. તેઓએ તપાસના તલસ્પર્શી કાગળો સાથે હાઇકોર્ટમાં રેકર્ડ રજુ કરી આ કેસમાં જે જે વ્યકિતઓ કસુરવાન જણાયા અને જેમની સામે પુરાવા હતા તેમની સામે કાર્યવાહી  થઇ હોવાના પુરાવા પણ રજુ કર્યા હતા.

પોલીસ તપાસથી સંતોષ ન માનતા સ્વર્ગસ્થના પરિવારે સીઆઇડી અથવા સીબીઆઇ તપાસની માંગણી કરેલ. આમ હવે સીઆઇડી પાસે જયંતિભાઇ ભાનુશાળીની હત્યા, વિનય શાહ દંપતિના કરોડોના કૌભાંડ, કુવિખ્યાત દિવ્યેશ દરજી સામેના કરોડોના કૌભાંડના આરોપ, રાજકોટ રેન્જના પુર્વ આઇજી તથા તત્કાલીન આરઆરસેલના પીઆઇ સામેના તોડ કાંડની ફરીયાદના પગલે હવે એક વધુ ફરીયાદની તપાસ કરવાનો સમય આવ્યો  છે.(૪.૭)

(3:47 pm IST)