ગુજરાત
News of Saturday, 12th January 2019

આજથી સળંગ ચાર દિવસ રજાનો માહોલ

રાજ્યભરમાં સ્કૂલથી માંડી સચિવાલય સુધી

અમદાવાદ તા. ૧૨ : ઉત્તરાયણના પર્વ વચ્ચે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે અત્યારથી જ લોકોમાં ઉત્તરાયણનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ખરીદી કરવા માટે બજારમાં નીકળી પડ્યા છે. નાના બાળકોથી લઇને મોટેરાઓમાં ઉત્તરાયણને લઇને ભારે ઉત્સાહ છે. જોકે, તેમના આ ઉત્સાહમાં આ વખતે વધારો થશે કારણ કે રાજયભરમાં શનિવારથી સતત ચાર દિવસ સુધી રજાનો માહોલ રહેશે.

૧૪મી જાન્યુઆરી અને સોમવારના રોજ ઉત્ત્।રાયણના પર્વને લઇ આ વખતે વિદ્યાર્થીઓને રજાઓની મોજ પડી જવાની છે. આજે શનિવારથી જ સ્કૂલોથી લઇને સચિવાલયમાં સળંગ ચાર દિવસ સુધ રજાનો માહોલ જોવા મળશે.

મળતી માહિતી પ્રમાણે આજે મહિનાનો બીજો શનિવાર હોવાથી સરકારી કચેરીઓમાં રજા છે. જયારે ત્યાર પછીના બે દિવસ એટલે કે રવિવાર અને સોમવારે જાહેર રજા હશે. બાદમાં ચોથા દિવસે મંગળવારે વાસી ઉત્તરાયણની પણ મોટાભાગની સ્કૂલોમાં રજા આપવામાં આવતી હોય છે. આમ આ વખતે ઉત્તરાયણના પર્વમાં રજાઓની ભરમાર જોવા મળશે.

ઉત્તરાયણના પર્વના દિવસે ગામ, શહેર અને રાજયના તમામ લોકો એકસાથે પોતાના મકાનની છત ઉપર આવી જતાં હોય છે. લપેટ કાપ્યોના શોરથી ગગન આખું ગૂંજી ઉઠતું હોય છે. વિદ્યાર્થીઓ બે દિવસ અગાઉથી સ્કૂલોમાં ગુલ્લી મારવા લાગે છે. ત્યારે આ વખતે ગુલ્લી મારતા વિદ્યાર્થીઓને સામેથી રજાઓ મળી શકે છે.

(9:55 am IST)