ગુજરાત
News of Friday, 11th January 2019

ચાઈનીઝ તુક્કલ મંગાવનાર ત્રણ શખ્સની ધરપકડ કરાઈ

૧૧૦ તુક્કલ સાથે ત્રણની ધરપકડ કરી લેવાઈઃ અમદાવાદમાં ચાઈનીઝ તુક્કલ અને દોરી ઉપર પ્રતિબંધ

અમદાવાદ,તા.૧૧: ઉત્તરાયણ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ચાઈનીઝ તુક્કલ અને ચાઈનીઝ દોરી સામે પોલીસે ફરી એકવાર લાલઆંખ કરી છે. આના ભાગરુપે નજર પણ કેન્દ્રિત કરી દીધી છે. તપાસનો દોર તીવ્ર કરવામાં આવ્યો છે જેના ભાગરુપે અમદાવાદ શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ તુક્કલ ઓનલાઈન મંગાવનાર ત્રણ ઇસમોની કુલ ૧૧૦ તુક્કલ સાથે સાઈબર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. શહેરમાં આ તહેવારને લઇને મોટાપ્રમાણમાં ચાઈનીઝ તુક્કલો ઉડાવે છે. સળગતી ચાઈનીઝ તુક્કલ હોવાના કારણે આગ લાગી જવાની અને મોટી જાનહાનિ તેમજ માલમિલકતને નુકસાન થવાની દહેશત રહે છે.

આ બાબતને ધ્યાનમાં લઇને ચાઇનીઝ તુક્કલની આયાત, ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવી ચુક્યો છે. શહેરમાં ગેરકાયદે પ્રવૃત્તિના ભાગરુપે ૧૨ જેટલી કંપનીઓને અમદાવાદ શહેરમાં ચાઈનીઝ દોરી અને તુક્કલો વેચાણ ન કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. હવે ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે જે પૈકી ડી કેબિન સાબરમતી વિસ્તારમાં પરિમલ સ્કુલ પાસે રહેતા સુનિલ હરીલાલ વર્માનો સમાવેશ થાય છે. તેમની પાસેથી ૧૦ ચાઈનીઝ તુક્કલ મળી આવી છે જ્યારે કિશન મોતીલાલ પંડ્યા પાસેથી પણ ૧૦ તુક્કલ મળી આવી છે. કિશન પણ ડીકેબિન સાબરમતી વિસ્તારમાં જ રહે છે. ત્રીજા આરોપી નિલેશ પ્રજાપતિ પાસેથી ૯૦ ચાઇનીઝ તુક્કલ મળી આવી છે. આ આરોપી નારોલ ગામમાં ધર્મભૂમિની પાછળ રહે છે.

 

(10:50 pm IST)