ગુજરાત
News of Friday, 11th January 2019

કાર માલિકને વળતર ચુકવવા ફાઈનાન્સ કંપનીને હુકમ થયો

કસ્ટમરની કારને કબજે કરી હરાજી કરાઈ હતી : કન્ઝ્યુમર કોર્ટનો કસ્ટમરના હિતમાં મહત્વપૂર્ણ ચુકાદો

અમદાવાદ, તા. ૧૧ : કન્ઝ્યુમર કોર્ટે વધુ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જેના ભાગરુપે જે કસ્ટમરની કાર રોડ ઉપર કબજે કરવામાં આવી હતી તે કસ્ટમરને વળતરની ચુકવણી કરવા ફાઈનાન્સ કંપનીને આદેશ કર્યો છે. રોડ પર કાર કબજે કરવા અને હરાજી કરી દેવાના મામલામાં વળતર ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે. કારણ કે, તે લોન ઇન્સ્ટોલમેન્ટની ચુકવણી કરવામાં ડિફોલ્ટ આવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, પેમેન્ટની ચુકવણી શક્ય ન હતી કારણ કે, નોટબંધીના પરિણામ સ્વરુપે સંજોગો તેમની અંકુશની બહાર હતા જેથી તેમને કસ્ટમરને દંડ કરી શકાય નહીં. વધુમાં કોઇપણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયાને અમલી કર્યા વગર આ કારને જપ્ત કરી દેવામાં આવી હતી અને તેની હરાજી કરવામાં આવી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરવામાં આવેલી કોઇપણ શરતોને માન્યા વગર કાર કબજામાં લઇ લેવામાં આવી હતી જેથી કંપનીને લોન રકમની ફેર ચુકવણી કરવી જોઇએ. કંપનીએ સિવિલ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં લેવો જોઇએ. ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ કન્ઝ્યુમર ડિસપ્યુટ રિડ્રેશલ ફોરમ દ્વારા સોમવારના દિવસે મહિન્દ્રા ફાઈનાન્સ લિમિટેડને કારના માલિક હરેન્દ્રસિંહને નવ ટકા વ્યાજ સાથે ૩.૨૫ લાખની ચુકવણી કરવા આદેશ કર્યો હતો. આ એવી રકમ છે જે હરેન્દ્રસિંહે ઇન્સ્ટોલમેન્ટમાં ચુકવી હતી. છ લાખ રૂપિયાની લોન સામે ઇન્સ્ટોલમેન્ટમાં આ રકમ ચુકવવામાં આવી હતી. કોર્ટે હેરાનગતિ અને અન્ય પાસાને લઇને ચાર હજાર રૂપિયા વધારાનું વળતર ચુકવવાનો પણ આદેશ કર્યો છે. ઇન્સ્ટોલમેન્ટની રકમ ૨૧૭૦૦ રૂપિયા હતી. નવેમ્બર ૨૦૧૬ના દિવસે આઠ મહિના માટે તે પેમેન્ટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. કારણ કે, ચોટિલા મંદિરેથી પરત ફરી રહ્યા હતા ત્યારે કંપનીના અધિકારીઓએ તેમને સરખેજમાં રોકી દીધા હતા અને કાર કબજામાં લીધી હતી. ચાર દિવસ બાદ તેમને કહેવામાં આવ્યું હતું કે, જો ૪.૭૯ લાખ નહીં ચુકવે તો હરાજી કરી દેવામાં આવશે. નોટબંધીના લીધે રકમ ચુકવવામાં અસમર્થતા દર્શાવવામાં આવ્યા બાદ કંપનીએ આગામી મહિને આ કાર ૫.૦૧ લાખ રૂપિયામાં વેચી દીધી હતી. ત્યારબાદ કસ્ટમરે કંપની સામે દાવો માંડ્યો હતો. કાર ફરી મેળવવા માટે કારના માલિકને વળતર ચુકવવાનો ફાઈનાન્સ કંપનીને આદેશ કરવામાં આવ્યો હતો.

(8:02 pm IST)