આણંદ: રાસનોલ-ભાલેજ નજીક પુરપાટ આવતા ડમ્પરે બાઇકને હડફેટે લેતા એકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો
આણંદ: તાલુકાના રાસનોલના ભાલેજ તરફ જવાના રોડ ઉપર આજે સાંજના સુમારે પુરપાટ ઝડપે જતા એક ડમ્ફરે બાઈક લઈને ઉભેલા બે મિત્રોને ટક્કર મારતાં એકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ જ્યારે બીજાને ઈજાઓ થવા પામી હતી. આ અંગે ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર રાસનોલ ગામના દરીયાવગા ખાતે રહેતા કાર્તિકભાઈ રમેશભાઈ પરમાર (ઉ. વ. ૧૭)તથા તરૂણ મનુભાઈ પરમાર આજે સાંજના સવા છ વાગ્યાના સુમારે વાઘરીવાસ પાસે આવેલા ભાલેજ તરફ જવાના રોડ ઉપર બાઈક લઈને ઉભા હતા. દરમ્યાન એક ડમ્ફર પુરપાટ ઝડપે આવી ચઢ્યું હતુ અને બન્નેને અડફેટે લેતાં કાર્તિકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ જ્યારે તરૂણને ઈજાઓ થવા પામી હતી. અકસ્માત બાદ ડમ્ફરનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ ખંભોળજ પોલીસને થતાં જ પોલીસ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને મૃતકની લાશનો કબજો લઈને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી.