ગુજરાત
News of Saturday, 12th January 2019

જયંતી ભાનુશાળીની હત્યામાં ભાઉ નામનો શાર્પશુટર ચર્ચામાં : હત્યામાં બે હથિયારો વપરાયા હતાઃ જો કે SITની ટીમ હજુ તપાસ કરી રહી છે

અમદાવાદ : જયંતી ભાનુશાળી હત્યા કેસમાં તપાસનો ધમધમાટ યથાવત છે. પણ, જલ્દી જ જયંતી ભાનુશાળીના હત્યારાઓનું પગેરુ મળી જાય તેવું દેખાઈ રહ્યું છે. SITની ટીમે ગુજરાત બહાર તપાસ માટે ધામા નાખ્યા છે. તો સાથે જ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, જયંતી ભાનુશાળીની હત્યાને અંજામ આપવા 4 લોકો બહારથી આવ્યા હોવાની ચોંકાવનારી જાણકારી સામે આવી છે. સાથે જ પ્રોફેશનલ શાર્પશૂટરોને હત્યા માટે કામ સોંપાયાની પ્રાથમિક જાણકારી મળી છે. આ ઉપરાંત જયંતી ભાનુશાળીની હત્યામાં કુલ બે હથિયાર વપરાયા હતા. આ હત્યામાં ભાઉ નામના એક શાર્પશૂટરનું નામ સામે આવ્યાની ચર્ચા થઇ રહી છે. જો કે SITની ટીમે સઘન તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, જ્યંતી ભાનુશાળીની હત્યાના મામલે ગુજરાત બહાર ગયેલી SITની એક ટીમને મોટા પુરાવા હાથ લાગ્યા છે. ટ્રેનના કોચમાં હત્યાને અંજામ આપવા કુલ 4 લોકો આવ્યા હોવાનું સામે આવ્યું છે. તો આ મર્ડર માટે પ્રોફેશનલ શુટર્સ બહારથી બોલાવાયેલા હોવાનું એસઆઈટીની તપાસમાં ખુલ્યું છે. ત્યારે જ જલ્દી જ પોલીસ અસલી હત્યારા સુધી પહોંચી જાય તેવી શક્યતા લાગી રહી છે.

જલ્દી જ ઉકેલાશે ભેદ

આ કેસની તપાસ કરી રહેલી પોલીસને આરોપી સુધી પહોંચવામાં મહત્વની કડી મળી છે તેવું કહેવાઈ રહ્યું છે. બીજી તરફ આ સમગ્ર કેસમાં અંગત અદાવત અને ભાનુશાળી પાસેના કેટલાક સ્ફોટક વિગતો મેળવવા માટે પણ આ હત્યા કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પોલીસે આ માટે સીસીટીવી ફૂટેજ અને કેટલાક કોલ ડિટેઈલ્સની માહિતી મેળવી છે, જેના આધારે તેઓ હત્યારા સુધી પહોંચી રહ્યા છે તેવું જાણવા મળ્યું છે.

તો બીજી તરફ, આ હત્યામાં શંકાની સોય જેના તરફ છે, તે મનીષા ગોસ્વામી હજી પણ લાપતા છે. તેના પતિને આ વિશે પૂછતા તેને કંઈ જ ખબર નથી તેવું તેણે જણાવ્યું હતું. બીજી તરફ, જયંતી ભાનુશાળીના પરિવારે છબીલ પટેલના પરિવાર પર પણ આક્ષેપ લગાવ્યો હતો.

મનીષા કચ્છથી મુંબઈ ગઈ હતી

જયંતી ભાનુશાળીની પૂર્વ પ્રેમિકા કહેવાતી મનીષા ગોસ્વામીનો તબેલો જયંતી ભાનુશાળીના ફાર્મહાઉસને અડીને આવેલો છે. જયંતી ભાનુશાળી અને મનીષા ગોસ્વામી વચ્ચે સંબંધો વણસ્યા બાદ આ તબેલાની માલિકી મેળવવા માટે પણ જયંતી ભાનુશાળીની હત્યા કરાઈ હોઈ તેવું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ મામલે વધુ એક માહિતી સામે આવી છે કે, શું મનીષા ગોસ્વામી જયંતીની હત્યાના પહેલા અને હત્યાના આગામી દિવસે કચ્છમાં હતી? ચર્ચા છે કે, 1થી 3 જાન્યુઆરી વચ્ચે કચ્છના આર્થિક કૌભાંડોમાં વગોવાયેલા કૌભાંડી નેતા સાથે તે પ્લેનથી મુંબઈ ગઈ હતી અને મુંબઈના કેટલાક લોકો સાથે તેણે મીટિંગ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, વાપીની મનીષા ગોસ્વામી એ 6 લોકોમાંની એક છે, જેમની સામે જયંતી ભાનુશાળીની હત્યાના આરોપની ફરિયાદ કરાઈ છે. કહેવાય છે કે, મનીષા મુંબઈથી પરત કચ્છ ફરી હતી. અહીંથી તે વાપી પરત ફરી હતી.

ઉલ્લેખનીય છે કે, અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીની હત્યાને 72થી વધુ કલાકો થઈ ગયા છે. ત્યારે આ કેસમાં અગાઉ 2008નો બોમ્બ બ્લાસ્ટ કેસનો ભેદ ઉકેલનાર ટેકનિકલ સર્વેલન્સની ટીમ પણ કામ લગાવાઈ છે.

(5:04 pm IST)