ગુજરાત
News of Friday, 11th January 2019

હત્યા પછી જયંતિભાઇનો બીજો મોબાઇલ ગૂમ? મોબાઇલમાં ખાનગી દસ્તાવેજો?

જયંતિભાઇની હત્યાનું મુખ્ય સુપરવીઝન બદલાશેઃ આશિષ ભાટીયા રજા પર જતા હોવાથી અજય તોમર સુકાન સંભાળશેઃ બાઇક કબ્જેઃ સમાધાન કરાવનાર આગેવાન સહિતનાઓની પુછપરછ : નરોડાના મોટા ગજાના એસ્ટેટ એજન્ટને તેડુઃ પ્રોફેશ્નલ કીલરો કન્ટ્રીમેઇડ પિસ્તોલ નહિ, આધુનિક હથીયાર વાપરે છેઃ વિવિધ એંગલોની સીઆઇડી દ્વારા ચકાસણી

રાજકોટ, તા., ૧૧: કચ્છ અબડાસાના પુર્વ ધારાસભ્ય અને એક સમયના ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ એવા કચ્છના શકિતશાળી નેતા જયંતિભાઇ ભાનુશાળીની હત્યામાં સીઆઇડી દ્વારા વિવિધ એંગલોથી તપાસ ચાલી રહી છે આમ તો ઘણા લોકોની તપાસ થઇ છે અડધો ડઝન શંકાસ્પદોની અટક પણ કરવામાં આવી છે.

સીઆઇડી વડા આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં ચાલતી આ તપાસમાં હવે સુપરવીઝન આશિષ ભાટીયાના સ્થાને સીઆઇડીના એડીશ્નલ ડીજી કક્ષાના રાજકોટ રૂરલના પુર્વ એસપી અને રાજકોટ રેન્જ પોલીસ દ્વારા થયેલ મસમોટી રકમના તોડકાંડની તપાસ ચલાવતા અજયકુમાર તોમર સંભાળનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે. આશીષ ભાટીયાના પુત્રીના લગ્ન પ્રસંગ હોવાથી તેઓ રજા પર જતા હોવાથી આ નિર્ણય થયાનું સુત્રો જણાવી રહયા છે.

દરમિયાન એક એવી હકિકત બહાર આવી છે કે હત્યારાઓ ચેન પુલીંગ બાદ નાસી છુટયા બાદ બાઇક પર નાસ્યા છે. આ સંદર્ભે સીટ દ્વારા એક પલ્સર બાઇક કબ્જે કરી તેની ફોરેન્સીક તપાસ ચાલી રહી છે. પવન મોરેને સાથે રાખી પોલીસ શકમંદોના વિવિધ સ્કેચો તૈયારો કરી રહી છે.

એક એવી હકિકત બહાર આવી છે કે જયંતિભાઇ ભાનુશાળી બે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હતા જેમાંથી એક ફોનમાં તેઓ ડેટા રાખવાનો ઉપયોગ કરતા હતા સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ જયંતિભાઇ ભાનુશાળીનો બીજો મોબાઇલ ગૂમ થયો છે. જે હત્યારાઓ સાથે લઇ ગયાની આશંકા છે. એ બાબત જાણીતી છે કે હત્યારાઓ હત્યા કર્યા પછી એક સુટકેશ પણ સાથે લઇ ગયા હતા. આ સુટકેશ જયંતિભાઇની નહિ પણ પવન મોર્યની હોવાનું સાબીત થતા તે ફેંકી દીધી હતી. જયંતિભાઇએ હત્યા પહેલા પોતાની પુત્રી તથા એક કોંગ્રેસી અગ્રણી સાથે વાત કર્યાનું બહાર આવ્યું છે. નરોડાના એક મોટા ગજાના એસ્ટેટ એજન્ટની પણ તપાસ સાથે ભુજમાં કાર્યક્રમ સમયે હાજર રહેનાર એક પ્રતિષ્ઠીત આગેવાન અને જેમણે જયંતિભાઇ ભાનુશાળીના વિરોધીએ સાથે સમાધાન કરાવેલું તેમની પણ પુછપરછ ચાલી રહી છે.

જે રીતે જયંતિભાઇનો બીજો મોબાઇલ ગૂમ થયો અને જે રીતે જયંતિભાઇની સુટકેશ માની હત્યારાઓ સાથે લઇ ગયા તેનો અર્થ સીઆઇડી સુત્રો એવો કાઢે છે કે કોઇ અગત્યના  દસ્તાવેજો માટે આ હત્યા થઇ છે. કન્ટ્રીમેઇડ રિવોલ્વર વપરાઇ હોવાથી કોઇ પ્રોફેશ્નલ કીલર ગેંગની શકયતા ધુંધળી બની છે. પ્રોફેશ્નલ કીલર ગેંગ આધુનિક હથીયાર વાપરે છે.

(3:31 pm IST)