ગુજરાત
News of Friday, 11th January 2019

સુરત: રાધાકૃષ્ણ માર્કેટમાં કરોડોના કાપડ ચોરીના વિરોધમાં કાપડ માર્કેટ બંધ

માર્કેટની 4000 દુકાનના વેપારી દ્વારા કરાયો વિરોધ: 112 વેપારી ની દુકાનમાંથી ચોરી:ચોકીદારી કરતા બે કર્મચારીની ધરપકડ

સુરત રિંગ રોડ પર આવેલ રાધાકૃષ્ણ માર્કેટમાં કરોડોની કાપડ ચોરી મામલે વેપારીઓ રોષે ભરાયા છે અને માર્કેટની 4000 દુકાનોએ વિરોધ નોંધાવ્યો છે અને બંધ પાળ્યો છે વેપારીઓએ આરોપ મૂક્યો છે કે, સિક્યુરીટી અને મેનેજમેન્ટથી મિલીભગતથી આખું કૌભાંડ ચાલતું હતું, જેમાં લાખો રૂપિયાના કાપડની ચોરી કરવામાં આવી હતી.

 સુરતના રિંગરોડ સ્થિત રાધાકૃષ્ણ માર્કેટનો એક સિક્યોરિટી ગાર્ડ ગ્રે તાકાઓની ચોરી કરતા ઝડપાતા વેપારીઓમાં રોષ ફેલાયો હતો.મેનેજમેન્ટે વેપારીની ફરિયાદ બાદ સિક્યુરિટી ગાર્ડ અને તેને સાંકળતા વીડિયો ફૂટેજ પોલીસને સુપરત કર્યાં હતા.માર્કેટ બંધ પાળી વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

 રોષે ભરાયેલા વેપારીઓએ માર્કેટની સિક્યોરિટી એજન્સીને બદલવાની માંગણી કરી હતી. રોષ વધતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વેપારીઓનો આરોપ એ પણ છે કે આ ચોરીમાં માર્કેટ મેનેજમેન્ટના કર્મચારીઓની પણ સંડોવણી છે. વેપારીઓનું કહેવું છે કે, દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરા હટાવી દેવા પણ માર્કેટ મેનેજમેન્ટે સૂચન કર્યુ હતું. જેને કારણે આખી ઘટના પ્રકાશમાં આવે નહીં અને ચોરીનો ધંધો યથાવત રહે.

 

 આરકેટીમાં ઉષા ફેશન કોટન અને ડ્રેસ મટિરિયલ્સ નામની દુકાનમાંથી છેલ્લા બે મહિનાથી 21 લાખ રૂપાયાના તાકા ચોરાઈ રહ્યાં હતા. દુકાન માલિક આશિષ ઠાકુરને અઠવાડિયા પહેલા શંકા ગઈ હતી. તેઓએ શનિવારે સાંજે દુકાન બંધ કરી હતી. તે સમયે તમામ માલની ગણતરી કરી અને દુકાનમાં જે રીતે માલ ગોઠવેલો હતો તેના ફોટો પાડી લીધા હતા. સોમવારે દુકાન ખોલી ત્યારે તેમને શંકા ગઈ કે તાકા ઓછા થયા છે. માર્કેટમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરતા જણાયું કે, રવિવારે સાંજે 10 થી 12 જણાએ તેને ચોરીને લઈ ગયા હતા. તેમાં એક માર્કેટનો ચોકીદાર રામ જેઠાભાઈ મોઢવડિયા હતો એટલે પોલીસને જાણ કરાઈ હતી.

(2:42 pm IST)