ગુજરાત
News of Friday, 11th January 2019

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ‘ઈન્ટરનેશનલ યુનિવર્સિટીઝ કોન્કલેવ’ યોજાશે

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે સંબોધન કરશે:યુએસએ-ઇન્ડિયા અને કેનેડા-ભારત વચ્ચે ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે રહેલી સંભાવનાઓનું વૈશ્વિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરાશે

અમદાવાદ :નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી તેમજ નોલેજ કન્સોર્ટિયમ ઑફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે તારીખ 18 જાન્યુઆરના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ‘ઈન્ટરનેશનલ યુનિવર્સિટીઝ કોન્કલેવ’ યોજાશે.

  આ કોન્ક્લેવમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આદાન-પ્રદાન પર ધ્યાન કેન્દ્રિત કરાશે. કોન્કલેવમાં રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓના વડા સહિત શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓને સંબોધિત કરશે. ભારતીય યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર્સ, શિક્ષણવિદો, આચાર્યો તેમજ શિક્ષણજગતના પ્રતિનિધિઓ આ કોન્કલેવમાં ભાગ લેશે. કોન્કલેવમાં 15  યુનિવર્સટીઓના 20 જેટલા પ્રતિનિધિઓ સહભાગી થશે.

  રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્રસચિવ અંજુ શર્માએ કોન્કલેવની થીમ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે “ વિશ્વભરની શિક્ષણ સંસ્થાઓનો એજન્ડા વૈશ્વિકરણ રહ્યો છે ત્યારે આ કોન્કલેવનો ઉદ્દેશ વિશ્વના દેશોમાં ઉચ્ચશિક્ષણના વૈશ્વિકરણ માટે અમલમાં મૂકવામાં આવેલી પ્રણાલી અને પ્રક્રિયાને સમજવાનો છે. આ સેમિનારમાં વિશ્વની  ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના વડાઓ દ્વારા વૈશ્વિક સ્તરે અમલમાં મુકવામાં આવેલ અભ્યાસક્રમની અસરો વિષે વિચાર-વિમર્શ કરવામાં આવશે.

  આ અભ્યાસક્રમનાં અપેક્ષિત પરિણામોમાં શૈક્ષણિક સંસ્થાઓની નીતિઓ, શિક્ષણ ક્ષેત્રે અમલી એડવાન્સ ટેકનોલોજી તથા વૈશ્વિકરણના વધતા વ્યાપ, માળખાકીય સુવિધાઓ થકી સાંસ્કૃતિક સુધારા તેમજ વ્યવસ્થાપન સુધારવા માટે વૈશ્વિક  ટ્રેન્ડ, સંસ્થાઓની નાણાકીય સ્થિતિ અને વિશ્વની યુનિવર્સિટી સાથે જોડાણ જેવી બાબતોનો સમાવેશ થાય છે.

(11:05 pm IST)