ગુજરાત
News of Friday, 11th January 2019

ગુજકેટ પરીક્ષા ૩૦ માર્ચના બદલે ચોથી એપ્રિલે લેવાશે

ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના સમયમાં ફેરફાર : ગુજકેટની કસોટી કુલ ત્રણ માધ્યમમાં સવારે ૧૦થી શરૂ

અમદાવાદ,તા.૧૦ : ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવામાં આવતી ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષાના સમયમાં ફેરફાર કરાયો છે. જે મુજબ, હવે આ પરીક્ષા તા.૩૦ માર્ચના બદલે તા.૪થી એપ્રિલના રોજ લેવાશે. ગુજકેટની પરીક્ષા સવારે ૧૦ થી સાંજે ૪ વાગ્યા દરમ્યાન લેવામાં આવશે. ગુજકેટની આ પરીક્ષા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના પ્રવર્તમાન કોર્સ આધારિત હશે. ગુજકેટની પરીક્ષાનાં આવેદનપત્રો ભરવા માટે સૂચનાઓ તથા કોર્સની માહિતી પુસ્તિકા ઓનલાઇન મૂકવામાં આવશે. આવેદનપત્ર તથા પરીક્ષા ફી રૂ.૩૦૦ ઓનલાઇન ભરવાની રહશે. ગુજકેટની આ કસોટી કુલ ત્રણ માધ્યમમાં લેવામાં આવશે. જેમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીનો સમાવેશ થાય છે.

ધો-૧૨ સાયન્સના ત્રણેય ગ્રુપ એ, બી અને એબીના વિદ્યાર્થીઓ આ કસોટી આપી શકે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત વર્ષે તા. ૨૩ એપ્રિલને ડિગ્રી એન્જિનિયરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ગુજકેટની કસોટી લેવામાં આવી હતી. જેમાં સમગ્ર ગુજરાતમાં ૧,૩૬,૧૧૮ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમાં ગ્રૂપ-એમાં ૬૨,૧૭૩ ગ્રૂપ-બીમાં ૭૩,૬૨૦ અને ગ્રૂપ એ બીમાં ૩૬૩ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જો કે, હવે ગુજકેટની પરીક્ષામાં ફેરફાર થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ તેની નોંધ લેવાની રહેશે. જે મુજબ, હવે ગુજકેટની પરીક્ષા તા.૩૦મી માર્ચના બદલે તા.૪થી એપ્રિલના રોજ લેવામાં આવશે.

(7:37 pm IST)