ગુજરાત
News of Friday, 12th January 2018

ગાંધીનગર: અનોડીયા પાસે પોલીસે વોચ ગોઠવીને 65 હજારનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપ્યો

ગાંધીનગર:જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દોડધામ કરી રહી છે ત્યારે આરઆર સેલની ટીમે માણસાના અનોડીયા પાસે વોચ ગોઠવી વિદેશી દારૃ ભરેલી ગાડી પકડવા નાકાબંધી કરી હતી તે દરમ્યાન નાકાબંધી તોડી કાર ચાલક ભાગ્યો હતો અને ટેમ્પા સાથે ગાડી અથડાવીને ગાડી ત્યાં જ મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ કારમાંથી ૬૫ હજારનો દારૃ બિયરનો જથ્થો ઝડપી પાડયો હતો અને કાર ચાલકની શોધખોળ શરૃ કરી હતી. ગાંધીનગર જિલ્લામાં હાલ દેશી વિદેશી દારૃ પકડવા માટે દોડધામ ચાલી રહી છે. પોલીસની વિવિધ ટીમો બાતમીદારોને સક્રિય કરીને દારૃ પકડી રહી છે ત્યારે ગાંધીનગર આરઆર સેલની ટીમને પણ બાતમી મળી હતી કે માણસાના અનોડીયા પાસેથી વિદેશી દારૃ ભરીને કાર આવી રહી છે. જે બાતમીના આધારે અનોડીયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી અને નાકાબંધી પણ કરવામાં આવી હતી. દરમ્યાનમાં બાતમીવાળી કાર નં.જીજે-૧-એચએસ-૪૯૮૨ ત્યાંથી પસાર થતાં પોલીસે તેને ઉભી રાખવા ઈશારો કર્યો હતો પરંતુ કારચાલક ઉભો ના રહેતા ફીલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જેના પગલે પોલીસે પણ કારનો પીછો કર્યો હતો અને આ કાર અન્ય એક જીપ સાથે અથડાઈ ગઈ હતી અને તેનો ચાલક કારને ત્યાં જ મુકીને નાસી છુટયો હતો. પોલીસે કારમાંથી વિદેશી દારૃ અને બિયર મળી ૬૫૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો અને કારનંબરના આધારે બુટલેગરને શોધવા માટે દોડધામ શરૃ કરી હતી તો બીજી બાજુ ગાંધીનગર એલસીબીની ટીમે આજે ફતેપુરામાં દરોડો પાડીને મહિલા બુટલેગર લક્ષ્મીબેન બાબુજી ઠાકોરને ત્યાંથી ૧પ લીટર દેશી દારૃ પણ કબ્જે કર્યો હતો.

 


 

(5:02 pm IST)