ગુજરાત
News of Wednesday, 11th December 2019

૪૨ લાખ રૂપિયાના પુસ્તક ગોડાઉનમાંથી ચોરાઈ ગયા

પાઠ્યપુસ્તક મંડળ ગોડાઉનમાંથી ચોરીથી ચકચાર : પત્રમાં ખુદ મંડળના ત્રણ અધિકારી વિરૂદ્ધ કૌભાંડની શંકા

અમદાવાદ, તા. ૧૧ :  ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળના સેક્ટર-૨૫ ખાતે  આવેલા ગોડાઉનમાંથી ગત મહિને રૂ.૪૨ લાખના પુસ્તકોની ચોરી થઈ હોવાની ઘટના સામે આવતાં શિક્ષણજગત સહિત સરકારમાં જબરદ્સ્ત ખળભળાટ મચી ગયો છે. ગોડાઉનમાંથી ધો. ૧૧-૧૨ સાયન્સના રૂ. ૪૨ લાખના પુસ્તકોની ચોરીની ઘટના મામલે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી, પરંતુ સેક્ટર-૨૧ પોલીસ દ્વારા આ મામલે હજી સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી. સરકારી ઓફિસની ચોરીની પોલીસ ફરિયાદ નોંધાતી નથી અને ઘક્કા ખવડાવે છે. બીજી તરફ આ ચોરીના પ્રકરણમાં મંડળના ત્રણ અધિકારી સામે શંકા વ્યક્ત કરતો એક નનામો પત્ર પણ શિક્ષણ મંત્રીને મોકલવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર ચોરી છે કે કૌભાંડ તેના પર સવાલો ઉભા થયા છે. ગાંધીનગર ડીવાયએસપી એમ.કે રાણાએ જણાવ્યું હતું કે, બનાવ મામલે સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. આ મામલે તપાસ ચાલી રહી છે. મંડળના અધિકારીઓ ચોરી મામલે ફરિયાદ મોડી નોંધાવવા આવ્યા હતા.

            હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર શહેરના સેક્ટર ૨૫માં પાઠ્યપુસ્તક મંડળનું વર્ષો જૂનું ગોડાઉન આવેલું છે. જે પુસ્તકો રાખવામાં આવે છે. જેમાં આશરે રૂ.૪૨ લાખના પુસ્તકોની ચોરી થઇ હોવાની અરજી સેક્ટર- ૨૧ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે. આ મામલે હજી સુધી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ગત તા.૮ નવેમ્બરના રોજ રાતે ધો.૧૧-૧૨ સાયન્સના પુસ્તકોની ચોરી થઈ હતી, જેની તા.૯ નવેમ્બરના રોજ સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. ત્યારબાદ તા.૨૭ નવેમ્બરના રોજ આ મામલે ફરિયાદ કરવા સ્ટોરના મેનેજર જે. એલ ખરાડીને કહ્યું હતું. જેઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે ગયા ત્યારે તા.૩૦ નવેમ્બરે સિક્યુરિટી ગાર્ડ સાથે આવવા કહ્યું હતું. જ્યારે તેઓ પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારે રૂબરૂ સ્થળ તપાસ કરવામાં આવશે તેમ કહી દીધું હતું અને તપાસ કરી નથી.

               બીજીબાજુ, સરકારી શાળાના વિદ્યાર્થીઓને આપવાના પુસ્તકોમાં ભ્રષ્ટાચાર થયો હોવાને લઇ એક નનામો પત્ર રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાગના અગ્ર સચિવ, શિક્ષણ સચિવ, નિયામક અને ગાંધીનગર જિલ્લા પોલીસ વડાને આ બાબતે લેખિત રજૂઆત કરતો પાઠવાયો છે. જેમાં જણાવ્યું છે કે, પાઠ્ય પુસ્તક મંડળમાં વર્ષોથી ચાલતી ગેરરીતિને વર્ષોથી ચાલતી ગેરરીતિને લઇને ખૂબ જ દુઃખી થયો છું. સેક્ટર ૨૫ જીઆઇડીસીમાં આવેલા પાઠ્ય પુસ્તક મંડળમાંથી રૂ.૪૨ લાખના પુસ્તકો ચોરાયા છે. ગોડાઉનમાંથી પુસ્તકો ચોરાયા છે તે બાબતની મંડળના તમામ અધિકારીઓને ખબર છે. આ પત્રમાં મંડળના ત્રણ અધિકારી સામે શંકા ત્રણ અધિકારી સામે શંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ અધિકારીઓ અને કર્મચારી શિક્ષણ પ્રધાનના કાર્યાલયમાં કાર્યાલયમાં વગ ધરાવતા હોવાના કારણે અને કૌભાંડ આચરવામાં આવ્યા છે. પરંતુ તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી તેમ પત્રમાં જણાવ્યું છે. જો કે, હવે સમગ્ર મામલો ગરમાતાં શિક્ષણજગતમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે, તો સરકારમાં પણ ભારે ખળભળાટ મચી ગયો છે.

(10:04 pm IST)