ગુજરાત
News of Wednesday, 11th December 2019

બે કોમ વચ્ચે ભાગલા પાડવા કેટલાક રસ ધરાવતા હોય છે

જસ્ટિસ નાણાવટી-મહેતા પંચની રિપોર્ટમાં કેટલીક ભલામણો : પોલીસ ફોર્સને જરૂરી ભરતી અને અદ્યતન સાધન-સામગ્રી અને હથિયારોથી સજ્જ કરી અસરકારક બનાવવું જોઇએ

અમદાવાદ, તા.૧૧ : જસ્ટિસ નાણાવટી અને મહેતા પંચે રિપોર્ટમાં અગત્યની ભલામણો પણ કરવામાં આવી છે, જેને પણ રાજય સરકારે ગંભીરતાથી લીધી છે અન તેની અમલવારીની દિશામાં વિચારણા શરૂ કરી છે. પંચે તેના રિપોર્ટમાં ભલામણો કરતાં જણાવ્યું કે, થોડા ધાર્મિક નેતાઓ, સંગઠનો અને અસામાજિક તત્વો બે કોમ વચ્ચેના ભાગલાં પડે તેમાં રસ ધરાવતા હોય છે. જેના કારણે કોમો વચ્ચે તિરસ્કારની ભાવના પેદા થાય અને કોઇ બનાવ બને તો ઉશ્કેરણી કરીને કોમી હિંસાનું સ્વરૂપ આપે છે. ધાર્મિક નેતાઓ અથવા રસ ધરાવતી વ્યક્તિઓની દોરવણી-આગેવાનીમાં ગરીબ અને અભણ માણસો દોરવાઇ જાય છે. જેઓ, કોમી હિંસા આચરે છે. પરંતુ, તેઓ યોગ્ય કરી રહ્યા છે કે કેમ તેની ખબર હોતી નથી. દરેક સમાજના સમૂહને પોતાનો માનવ ધર્મ શું છે તે અંગે યોગ્ય શિક્ષણ આપવું જોઇએ અને કોમી હિંસા સમાજની કલ્યાણકારી પ્રવૃતિને કઇ રીતે હાનિકારક બને છે તે સમજાવું જોઇએ. જેથી સમાજના આવા પ્રકારની નબળાઇઓ દૂર થઇ શકે. આથી, કમિશન ભલામણ કરે છે કે, સમાજમાંથી આવા પ્રકારની નબળાઇઓ દૂર થાય તે માટે યોગ્ય પગલાં ભરવા જોઇએ.

                  કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવી તે રાજય સરકારની પ્રાથમિક જવાબદારી છે. પુરાવાઓ વિચારણામાં લેતાં કોમી હિંસાના જે બનાવ બને છે તેમાં ધ્યાન ખેચે તેવી એ બાબત છે કે, પોલીસની ગેરહાજરી અથવા હિંસક ટોળાઓને કાબૂમાં લેવા માટે અપૂરતો પોલીસ ફોર્સ હતો. કમીશનનું મંતવ્ય છે કે, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પૂરતો પોલીસ ફોર્સ હોવો જોઇએ. રાજય સરકાર પાસે પુરતા પ્રમાણમાં પોલીસ ફોર્સ ઉપલબ્ધ ન હતો તેવી હકીકત કમીશન સમક્ષ છે. આથી, ભલામણ કરવામાં આવે છે કે, રાજય સરકારે પોલીસ ફોર્સ પુરતા પ્રમાણમાં છે કે કેમ, તે અંગેની નિયમિત ચકાસણી કરવી જોઇએ. ખાલી જગ્યા ઝડપથી ભરવી અને પોલીસ ફોર્સ-દળને તાલીમ બધ્ધ કરવો. જયાં સુધી તાલીમ બધ્ધ પોલીસ ફોર્સ ન હોય, ત્યાં સુધી કોમી હિંસાના બનાવોનો સામનો કરવાની અપેક્ષા રાખી શકાય નહી. કમીશનના ધ્યાન પર બીજી વસ્તુ આવી છે કે, ઉશ્કેરાયેલા મોટા ટોળાઓનો સામનો કરવા માટે પોલીસ ફોર્સ અસહાય બને છે. થોડા હથિયારધારી પોલીસ ટોળાનો અસરકારક રીતે સામનો કરી શકે નહી. આ ઘટના ઘણા બધા સ્થળોએ બનેલ છે.

                  આથી, પોલીસ ફોર્સને પુરતા સાધન સામગ્રી, હથિયારો સાથે ડીપ્લોય કરવા જોઇએ. ઘણા સમયે પોલીસ ફોર્સ પાસે પુરતા પ્રમાણમાં દારૂ ગોળો ન હોવાના કારણે હિંસક ટોળા પર અસરકારક રીતે કાબૂ મેળવી શકાતો નથી. સરકારે દરેક પોલીસ સ્ટેશનોમાં પુરતા પ્રમાણમાં અધિકારીઓ-કર્મચારીઓ કે જેઓ પાસે પુરતા પ્રમાણમાં સાધન સામગ્રી એટલે કે, વાયરલેસ, વાહનો અને દારૂ ગોળો હોય તેની ખાત્રી કરવી જોઇએ. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો પોલીસ ફોર્સની ગુણવતા અને અસરકારકતામાં વધારો થશે. આથી, આવા પગલાં ભરવામાં આવે. માત્ર પોલીસ અધિકારીઓ નહી, પરંતુ સમાજની કેટલી વ્યક્તિઓ દ્વારા કમિશન સમક્ષ સ્ટેટમેન્ટ અથવા પુરાવારૂપે રજુઆત કરવામાં આવી છે કે, ગોધરા બનાવની મીડિયા દ્વારા પ્રસિધ્ધિ કરવામાં આવી હતી, જેના કારણે લોકોમાં આક્રોશ વધ્યો હતો અને આ આક્રોશ કોમી હિંસામાં પરિવર્તિત થયો હતો.

                    સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા શ્રી કુમારે તેમના એક સોગંદનામામાં જણાવેલ છે કે, મીડીયામાં જઘન્ય અને અમાનવીય જીવંત પ્રસારણ કરવામાં આવેલ અને ઘણા સ્થળોના કોમી હિંસાના બનાવો અંગે જે સમાચાર પ્રસિધ્ધ થયા તે સમાચારો મોટા પ્રમાણમાં બેજવાબદાર રીતે પ્રસિધ્ધ કરવામાં આવેલ હતા. શ્રી રાહુલ શર્મા જેઓ ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક હતા, તેઓના જણાવ્યા પ્રમાણે પણ દૈનિક સ્થાનિક સમાચાર પત્રોના અહેવાલના કારણે હિંસા ભડકી હતી. આ વિગતો ધ્યાનમાં લઇને કમિશને ભલામણ કરેલી છે કે કોમી રમખાણો સમયે મીડિયા-માધ્યમ દ્વારા બનાવો અંગે જે સમાચારો પ્રસિધ્ધ કરવામાં આવે તેમા યોગ્ય પ્રતિબંધ મુકવો જોઇએ. મીડિયા-માધ્યમોએ પણ પોતાની ફરજ સમજીને વ્યાજબી અહેવાલ-સમાચારો પ્રસિધ્ધ કરવા જોઇએ. કોમી બનાવો અંગે એવા કોઇ સમાચારો પ્રસિધ્ધ ન કરવા જોઇએ કે જેનાથી લોકોમાં ઉશ્કેરાટ વધે અને કોમી હિંસા ભડકે. મુશ્કેલીના સમયે મીડિયા સંયમી રીતે કામગીરી ન કરે અને તેની મર્યાદા ઓળંગે તે સમયે સંબંધિત સત્તાધિશોએ મીડિયા પર ત્વરીત અસરકારક પગલાં ભરવા જોઇએ.

(8:29 pm IST)