ગુજરાત
News of Wednesday, 11th December 2019

ત્રણ ઇન્ટરનેશનલ એરલાઇન્સ અમદાવાદથી ફલાઇટ શરૂ કરશે

લુફથાન્સ, ઓમાન અને શ્રીલંકન એરલાઇન્સ દ્વારા પેસેન્જર ટ્રાફિકનો સર્વે પૂરો કરાયો

અમદાવાદ, તા. ૧૧ : અમદાવાદ એરપોર્ટથી ત્રણ ઇન્ટરનેશનલ એરલાઇન્સ નજીકના ભવિષ્યમાં ફલાઇટ શરૂ કરે તેવી શકયતા છે. લુફથાન્સા એરવેઝ, ઓમાન એરવેઝ અને શ્રીલંકન એરવેઝ દ્વારા તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિકનો સર્વેક્ષણ પરો કરાયો છે.

મળતી માહિતી મુજબ આ ત્રણેય એરલાઇન્સના પ્રતિનિધિઓએ આ સંદર્ભે રાજય સરકાર સાથે પણ બેઠક કરી છે. ઉલ્લેખનીય છે કે ઇથોપિયન એરલાઇન્સએ અમદાવાદથી કાર્ગો ફાલઇટસ શરૂ કરી દીધી છે અને ર૦ર૦ની શરૂઆતમાં અમદાવાદથી પેસેન્જર ફલાઇટ શરૂ કરશે.

હાલમાં અમદાવાદથી ૪૦થી વધુ આંતરરાષ્ટ્રીય ફલાઇટસ કાર્યરત છે. અમદાવાદથી યુકે અને યુએસએના કેટલાંક ડેસ્ટિનેશન પર ટ્રાફીક વધ્યો છે. હાલમાં એક રેરલાઇન્સ દરરોજ સરેરાશ ૩પ,૦૦૦ પેસેન્જર મેળવે છે. અમદાવાદ એપોર્ટ વર્ષે ૧.૦૪ કરોડ પેસેન્જરનો ટ્રાફીક હેન્ડલ કરે છે. એરપોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરની અવરજવર સતત વધી રહી છે. હાલમાં અમદાવાદથી દરરોજ ર૪૦ જેટલી ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફલાઇટ ઉડે છે. છેલ્લા છ મહિનામાં ૧૦ નવી ડોમેસ્ટિક અને બે ઇન્ટરનેશનલ ફલાઇટનો પ્રારંભ થયો છે. પરિણામે, એરલાઇન કંપનીઓ વચ્ચે પણ સ્પર્ધા શરૂ થઇ છે. જેનો સીધો લાભ પેસેન્જરને પણ મળી રહ્યો છે. ૧૦ નવી ડોમેસ્ટિક ફલાઇટસ અમદાવાદને ચંદીગઢ, સિલિગુડી, પુણે, નાસિક અને કંડલા સાથે જોડાશે. આ ઉપરાંત દીવ અને દમણ માટે પણ ફલાઇટ શરૂ થશે.

(3:41 pm IST)