ગુજરાત
News of Wednesday, 11th December 2019

શ્રમ અને રોજગાર વિભાગ સ્થળાંતર કરતા શ્રમીકોના બાળકો માટે હોસ્ટેલ સુવિધા

અમદાવાદઃ સ્થળાંતર કરીને આવતા કામદારોના બાળકોનું શિક્ષણ બગડે નહી તે હેતુથી રાજયના શ્રમ અને રોજગાર વિભાગે આ પ્રકારના બાળકો માટે હોસ્ટેલ સુવિધા પુરી પાડવાનો નિર્ણય કર્યો છે. શ્રમ અને રોજગાર વિભાગના નેજા કાર્યરત ગુજરાત બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ વેલફેર બોર્ડ સ્થળાંતર કરતા મજુરોના બાળકો માટે હોસ્ટેલની સુવિધા ઉભી કરવા નિર્ણય કર્યો છે.

શ્રમ અને રોજગાર વિભાગનાં અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા જણાવે છે કે જયાં આદિવાસીઓનું મોટુ પ્રમાણ છે તેવા જીલ્લાઓમાં સ્થાનીક સતરે અપુરતી રોજગારીના કારણે માતા-પિતાની સાથે બાળકો પણ સ્થળાંતર કરે છે. આ કારણે ઘણા બાળકોને શાળા છોડવાની ફરજ પડે છે અને ઘણા બાળકનું શિક્ષણ અધુરૂ રહી જાય છે. અમે આવા બાળકોની સહાય માટે સ્થાનીક શાળાઓમાં હોસ્ટેલની સુવિધા ઉભી કરવાની યોજના તૈયાર કરી છે. આ યોજનાને કારણે સ્થળાંતર કરતા કામદારના બાળકો શિક્ષણ પુરૂ કરી શકશે. આ યોજના હેઠળ બાળકને સવારના નાસ્તા અને ભોજન ઉપરાંત બેડીંગ, હેલ્થકેર, સ્પોર્ટસ નાઇટ યુનિફોર્મ વગેરેની સગવડ કરવામાં આવશે. વિશેષ સંભાળ અને સુરક્ષા પુરી પાડવામાં માટે નાઇટ સિકયોરીટી વ્યવસ્થા કરવામાં આવશે. ગુજરાત બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ વેલફેર બોર્ડ હેઠળ નોંધાયેલા કામદારના બાળકો આ લાભ મેળવવા પાત્ર બનશે.

(3:38 pm IST)