ગુજરાત
News of Wednesday, 11th December 2019

સુરતના ભાજપ-કોંગ્રેસના નગર સેવકોને 'લાંચ ગુનીયા' રોગ લાગુ પડયો કે શું?

કટકી લેવાની છઠ્ઠી ઘટનાઃ એક લાખની માંગણી બાદ મહિલા કોર્પોરેટર કપીલાબેને પ૦ હજારનું ડીસ્કાઉન્ટ કરી આપ્યું હતું : વધુ એક મહિલા કોર્પોરેટર અને તેમના પતિદેવ પ૦ હજારની લાંચના છટકામાં ઝડપાતા ખળભળાટ મચી ગયો

રાજકોટ, તા., ૧૧: સુરત મહાનગર પાલીકાના ભાજપ-કોંગ્રેસ બંન્નેના નગરસેવકોને જાણે 'લાંચગુનીયા' થયો હોય તેમ વધુ એક મહિલા કોર્પોરેટર અને તેમના  પતિ વચેટીયા મારફત રૂ.પ૦ હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા છે બીજા શબ્દોમાં કહીએ તો કોર્પોરેટરો દ્વારા લાંચ લેવાની આ છઠ્ઠી ઘટના સુરતમાં બની છે.

સુરતના ઉધના-ભાઠેના વોર્ડ નં. ૧૮ના કોર્પોરેટર કપીલાબેન પલકેશભાઇ પટેલ અને તેમના પતિ પલકેશભાઇ વતી રૂ. પ૦ હજારની લાંચ હિતેષ મનુભાઇ પટેલ દ્વારા ઉધના દરવાજા એપલ હોસ્પીટલ આગળ જાહેર રોડ ઉપર સ્વીકારવામાં આવી હતી. તાજેતરમાં જ ભાજપ સામે દેખાવ કરનાર આ મહિલા કોર્પોરેટરે એક બિલ્ડર પાસે તેમનું બાંધકામ ગેરકાયદે હોવાનું જણાવી  રૂ.૧ લાખની લાંચની માંગણી કરી હતી.  રકઝકના અંતે મહિલા કોર્પોરેટરે પ૦ હજારનું ડીસ્કાઉન્ટ આપી પ૦ હજારમાં ડીલ નકકી કરી હતી અને આમ પ૦ હજાર સ્વીકારતા  પીઆઇ એસ.એન.દવે તથા કે.જે.ચૌધરી ટીમના હાથે એન.પી.ગોહીલના સુપરવીઝનમાં  ગોઠવાયેલ છટકામાં આબાદ ઝડપાઇ ગયા હતા. આ અગાઉ પણ મહીલા કોર્પોરેટર અને તેના પતિ તથા પુત્ર એસીબીના હાથે ઝડપાયાની હકિકત જાણીતી છે.

એસીબીના હાથે ઝડપાયેલ કપીલાબેન  કોંગ્રેસના મહિલા કોર્પોરેટર છે. કોંગ્રેસ દ્વારા આ ઘટના સંદર્ભે તેઓને પક્ષમાંથી દુર કરવામાં આવ્યા છે. આ અગાઉ ભાજપના મહિલા કોર્પોરેટર મીનાબેન, પતિ દિનેશભાઇ અને હરેશભાઇ પ લાખની લાંચમાં ઝડપાયેલ.  ભાજપના ડ્રેનેજ કમીટીના ચેરમેન પણ એક ડોકટર પાસે પ૦ હજારની લાંચમાં ઝડપાયેલ. ચાલુ વર્ષમાં જ કોંગ્રેસના કોર્પોરેટર લીનાબેન  અને પુત્ર કૃણાલ પણ એસીબીના છટકામાં  ઝડપાયા હતા.

(1:07 pm IST)