ગુજરાત
News of Wednesday, 11th December 2019

રાત્રે વાહન ન મળે ત્યારે પોલીસને જાણ કર્યે, મહિલાઓને સુરક્ષીત ઘેર પહોંચાડાશે

ગુજરાતમાં વધતી જતી દુષ્કર્મની ઘટનાઓ સંદર્ભે રાજકોટ-વડોદરા બાદ હવે અમદાવાદ-સુરતમાં પણ મહિલા સુરક્ષા માટે પ્રસંશનીય કાર્યવાહી : મનોજ અગ્રવાલ-અનુપમસિંહ ગેહલોતે એક વર્ષથી અમલમાં મુકેલી યોજનાનો હવે આશીષ ભાટીયા અને આર.બી.બ્રહ્મભટ્ટ દ્વારા પણ અમલ

રાજકોટ, તા., ૧૧: ગુજરાતમાં વધતી જતી દુષ્કર્મની ઘટનાઓ સંદર્ભે રાજયના મહાનગરના ચારેય પોલીસ કમિશ્નરો દ્વારા મહિલાઓ અને યુવતીઓ તથા સગીરાઓની સુરક્ષા અર્થે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મોડી રાતે નોકરીમાંથી કે કોઇ જરૂરી કામ સબબ બહાર ગયા બાદ કે પછી વાહન બગડયું હોય તેવી સ્થિતિમાં રીક્ષા કે ટેકસી  વાહન ન મળતા હોય અને ડર જેવું લાગતું હોય તો પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરવાથી તુર્ત જ પીસીઆર વાહન જયાંથી ફોન આવ્યો હોય તેવા સ્થળે મોકલી આપી આવી બહેનોને પોલીસ સુરક્ષા હેઠળ ઘેરે પહોંચતી કરવાની અનોખું કદમ હવે અમદાવાદ અને સુરત પોલીસ કમિશ્નર અનુક્રમે આશીષ ભાટીયા  અને આર.બી.બ્રહ્મભટ્ટ દ્વારા લેવામાં આવ્યું છે.

બહેનોની સુરક્ષા માટેના આ પગલાનો  કડકાઇથી અમલ થાય અને વાહન તુર્ત સ્થળ પર પહોંચે તે જોવા માટે પણ ખાસ તાકીદ સંબંધક અધિકારીઓને કરવામાં આવ્યાનું બહાર આવ્યું છે.

અત્રે એ યાદ રહે કે રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા આ યોજનાનો અમલ  એકાદ વર્ષ પહેલા જ થઇ ગયો છે અને ઉકત બંન્ને અધિકારીઓ દ્વારા રાત્રીના સમયે કોઇ મહિલાઓ કે યુવતીઓ વિગેરેને ઇમરજન્સીમાં રાતે વાહનની જરૂર પડયે તેઓને કોઇ જાતનો ભય ન લાગે તેવી સુરક્ષીત રીતે ઘેર પહોંચાડવાની પ્રક્રિયા ચાલી જ રહી છે. હવે અમદાવાદ અને સુરતના પોલીસ કમિશ્નરે પણ આવો પ્રસંશનીય નિર્ણય લેતા ગૃહ મંત્રાલય અને રાજયના પોલીસ વડા આવકારવામાં આવ્યો છે.

(1:06 pm IST)