ગુજરાત
News of Wednesday, 11th December 2019

શુક્રવારે BOIનાં એવોર્ડ સ્ટાફની દેશવ્યાપી હડતાલ

બેંક મેનેજમેન્ટના નકારાત્મક વલણ અને સ્ટાફની સતત ઉપેક્ષાના વિરોધમાં : ગુરૂ-શુક્ર ઉગ્ર દેખાવો યોજાશેઃ યુનિયન અગ્રણી દિલીપ જોષી

રાજકોટ તા. ૧૧ :.. બેંક ઓફ ઇન્ડીયાનો એવોર્ડ સ્ટાફ ૧૩ મીએ હડતાલ પર જશે બેંક ઓફ ઇન્ડીયાનાં કર્મચારીના અણઉકેલ પ્રશ્નો તથા ન્યાયપૂર્ણ માગણીઓની બેંક મેનેજમેન્ટ દ્વારા ઉપેક્ષા ત્થા નકારાત્મક વલણ રહેતું હોઇ ફેડરેશન ઓફ બેંક ઓફ ઇન્ડીયા સ્ટાફ યુનિયન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી બેંક મેનેજમેન્ટ સમક્ષ સતત અને સઘન રજૂઆતો કરતું રહ્યું છે. તેમ યુનિયનના મંત્રી દિલીપ જોષીની યાદી જણાવે છે.

બેંક ઓફ ઇન્ડીયા સામેનો મુખ્ય પડકાર વધતી જતી 'બેડ લોન' છે. તેથી એન. પી. એ. ની વસુલાત જરૂરી છે. વાસ્તવિકતામાં 'બેડ લોન' ના પ્રોવીઝનને કારણે બેંક ઓપરેટીવ પ્રોફીટ કરતી હોવા છતાં ખોટ દર્શાવે છે. જેને પરિણામે બેંકના થાપણદારોને પણ વ્યાજના દરમાં ઘટાડો સહન કરવો પડે છે અને આવક વધારવા માટે બેંક ગ્રાહકો ઉપર અસહય સર્વિસ ચાર્જના રૂપકડા નામે બોજો નાખે છે. પ્રશાસનની ગુણવતા સુધારવા માટે ફેડરેશન દ્વારા વખતો વખત સુચના - જેવા કે ધિરાણમાં વચેટીવા પ્રથાને દુર કરવી, ધિરાણને ગુણવતાને આધારે કરવુ, બિનજરૂરી ખર્ચાઓ ઉપર અંકુશ, તથા થાપણદારોની પુરેપુરી થાપણની વિમા સુરક્ષા વિગેરે કરવામાં આવ્યા હતાં છતા મેનેજમેન્ટની આંખ ઉઘડી નથી.

કર્મચારીને આર્થિક લાભોની વહેંચણીમાં ભેદભાવભરી નીતિ, એવોર્ડ  સ્ટાફની ભારતીમાં   વિલંબ, કેઝયુઅલ લેબરને પ્રો રેટા  વેતન આપવાનો ઇન્કાર, મેડીકલેઇમ બાબતે ઉભા થતા પ્રશ્નો પરત્વે ઉદાસીનતા તથા વચનો પરિપુર્ણ કરવા બાબતે અક્ષમ્ય વિલંબ વિગેરે કારણોસર ફેડરેશન દ્વારા તા. ર૧-૧૧-ર૦૧૯ ના રોજ દરેક ઝોનલ ઓફીસ સામે દેખાવો તથા તા. રપ-૧૧-ર૦૧૯ ના રોજ હેડ ઓફીસ, મુંબઇ ખાતે મહાધરણા કરવામાં આવ્યા હતાં.

બેંક મેનેજમેન્ટની કામદાર વિરોધી માનસીકતા સામે ફેડરેશન ઓફ બેંક ઓફ ઇન્ડીયા સ્ટાફ યુનિયનને જલદ આંદોલન કરવાની ફરજ પડી છે. તે અંતર્ગત તા. ૧ર-૧ર-ર૦૧૯ અને ૧૩-૧ર-ર૦૧૯ ના રોજ દેશભરની બેંક ઓફ ઇન્ડીયાની તમામ શાખાઓ સમક્ષ દેખાવો યોજાશે. અને ૧૩-૧ર-ર૦૧૯ ના રોજ એવોર્ડ સ્ટાફ આખા દિવસની હડતાલ પાડશે.

તા. ૧ર-૧ર-ર૦૧૯ નાં રોજ બેંક ઓફ ઇન્ડીયાની ઝોનલ ઓફીસ રાજકોટ, ખાતે સાંજના પ.૧પ કલાકે દેખાવો કરવાનું આયોજન હોય દરેક સ્ટાફ મિત્રોને અચૂક હાજર રહી આ હડતાલને સંપૂર્ણ સફળ બનાવવામાં સક્રિય અને જુસ્સાભેર ભાગ લેવા અપીલ કરવામાં આવે છે. તેમ યાદીના અંતે દિલીપ જોષી જણાવે છે.

(11:51 am IST)