ગુજરાત
News of Wednesday, 11th December 2019

ગાંધીનગરમાં પાઠય પુસ્તક મંડળના ગોડાઉનમાંથી ૪ર લાખના પુસ્તકો ગુમઃ તપાસનો ધમધમાટ

લેખીત અરજીમાં ત્રણ અધિકારીઓ સામે આશંકાઃ શિક્ષણ વિભાગમાં ખળભળાટ

રાજકોટ, તા.,  ૧૧: સામાન્ય રીતે વિદ્યાર્થીઓમાં જ્ઞાન વધે તે માટે ગુજરાત સરકારે ગુજરાત રાજય શાળા પાઠય પુસ્તક મંડળની સ્થાપના કરી છે પરંતુ કોઇને કોઇ વિવાદને લઇ પુસ્તક મંડળ સતત ચર્ચામાં અને વિવાદમાં રહે છે ત્યારે આજે ૪ર લાખના પુસ્તક ચોરીના વિવાદમાં ફરી ચર્ચામાં આવતા ખળભળાટ મચી જવા પામેલ છે.

જાણવા મળતી વિગતો મુજબ ગુજરાત રાજય પાઠય પુસ્તક મંડળના ગોડાઉનમાંથી અંદાજે ૪ર લાખના પુસ્તકો ગુમ થયાની જાણવા જોગ અરજી પોલીસમાં થતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

જાણવા મળતી વિગતો મુજબ ધો.૧ થી ૧રમાં પાઠય પુસ્તકનું પ્રિન્ટીંગ, વિતરણ અને વ્યવસ્થા કરતું ગુજરાત પાઠય પુસ્તક મંડળના ગાંધીનગર સ્થિત ગોડાઉનમાંથી અંદાજે ૪ર લાખના પુસ્તકો ગાયબ થઇ ગયા છે. કોઇ તાળો મળતો ન હોય આખરે પાઠય પુસ્તક મંડળના જવાબદાર અધિકારીઓએ આ અંગે પોલીસમાં જાણવા જોગ અરજી કરી છે. સામાન્યરીતે દાગીના, દસ્તાવેજો, મોટર સાયકલોની ચોરી થતી હોય છે ત્યારે ૪ર લાખની કિંમતના પાઠય પુસ્તકોની ચોરી થતા ગાંધીનગરમાં જ અને શિક્ષણ વિભાગમાં અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી છે. પાઠય પુસ્તક મંડળના ૪ર લાખના પુસ્તક ચોરી પ્રકરણમાં ૩ અધિકારીઓ સામે આશંકા દર્શાવવામાં આવી છે. આ ચોરીમાં જાણભેદુ નિકળવાની શકયતા જાણકારોએ વ્યકત કરી છે.

(3:37 pm IST)