ગુજરાત
News of Tuesday, 11th December 2018

નવા એનર્જી સોર્સ દ્વારા પોતાના વપરાશની 32 ટકા વિજળી ઉત્‍પન્‍ન કરનાર સુરત દેશમાં પ્રથમ ક્રમે

સુરતઃ નવા એનર્જી સોર્સ દ્વારા પોતાના વપરાશની 32 ટકા વિજળી ઉત્પન્ન કરનારું સુરદ દેશભરમાં પહેલું શહેર બની ગયું છે. વર્ષ 2020 સુધીમાં આ આંકડો 35 ટકા સુધી પહોંચી જશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ 2022 સુધીમાં સોલર પાવર અને વિન્ડ એનર્જી દ્વારા પોતાની જરૂરિયાતની વિજળી ઉત્પન્ન કરી લેશે.

મળ્યો 2018 સોલર સિટી એવોર્ડ

રિન્યુએબલ એનર્જી મંત્રાલયે સુરત શહેરને 2018માં સોલર સિટીનો એવોર્ડ આપતા જણાવ્યું કે, જ્યાં સુધી રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવાની વાત આવે છે સુરત શહેરની સામે અન્ય કોઈ શહેર આવી શકે તેમ નથી. સુરતે સ્થાપેલા વિન્ડ પાવર પ્લાન્ટ દ્વારા 30MW ઈલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી છે.

ગ્રીન એનર્જીથી ઘટ્યું કાર્બન મોનોક્સાઈડનું ઉત્સર્જન

રિન્યુએબલ એનર્જીના કારણે વર્ષે 74,424 મેટ્રિક ટન કાર્બન મોનોક્સાઈડનું ઉત્સર્જન ઓછું થયું છે. આ રીતે એનર્જી પ્રોડ્યુસ કરવાથી ક્લાઈમેટ ચેન્જ સામે લડવામાં મદદ મળશે. SMCના કમિશનર એમ. થેન્નરસને જણાવ્યું કે, દેશના અન્ય કોઈ શહેર પાસે પોતાનો વિન્ડ પાવર પ્લાન્ટ નથી. હાલમાં માત્ર અમદાવાદે 6MW વિન્ડ પાવર પ્લાન્ટ માટે પ્રયાસો શરૂ કર્યા છે. સુરત 2003થી રિન્યુએબલ એનર્જી માટે પ્રયાસો કરી રહ્યું છે અને નાના બાયોગેસ પ્લાન્ટ પણ સ્થાપ્યા છે. તેનાથી અન્યને પ્રેરણા મળી રહી છે.

વધુ સોલર પ્લાન્ટ સ્થપાશે

સુરત આ વર્ષે ગોપી તળાવ પાસે 100KWના ફ્લોટિંગ સોલર પ્લાન્ટ સાથે BRTS બસ સ્ટોપના રૂફટોપ્સ પર 200KWના સોલર પ્લાન્ટ સ્થાપીને કેરળના થિરુવનંતપુરમ બાદ આ પ્રકારનું બીજું શહેર બની જશે. આવી જ રીતે હાલમાં 6MWનો સોલર પ્લાન્ટ 8GHW યુનિટ વિજળી વર્ષમાં ઉત્પન્ન કરે છે. વધુ એક 1MW સોવર પાવર પ્લાન્ટથી ટોટલ 7MW સોલર પ્લાન્ટ બની જશે, જે વર્ષમાં 9.2 GWH યુનિટ વિજળી પ્રોડ્યુસ કરશે.

(4:54 pm IST)