ગુજરાત
News of Friday, 11th November 2022

હવે કામરેજના ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનસેરીયા સામે વિરોધ: પાટીદાર અને મહિલા વિરોધી હોવાના બેનરો સાથે ભારે સુત્રોચ્ચાર

સરથાણા જકાત નાકા વિસ્તારની સોસાયટીઓ બહાર પાનસેરીયા વિરોધી બેનરો લાગ્યા: સોસાયટીની બહાર ભેગી થયેલી મહીલાઓએ પ્રફુલ પાનસેરીયા પાટીદાર વિરોધી, મહિલા વિરોધી અને વિરોધી હોવાના આક્ષેપ કરી વિરોધ કર્યો

સુરતની બાર બેઠકો પૈકી 11 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. મોટાભાગની બેઠકો પર ઉમેદવારોને એ રીપીટ કરાયા છે તો ઉધના અને કામરેજ બેઠક પર ઉમેદવારોના ચહેરા બદલાયા છે. જેને પગલે એક તરફ ઉધનામાં આયાતી ઉમેદવાર માટે વિરોધ જોવા મળ્યો છે. તો કામરેજ વિધાનસભાના ઉમેદવાર પ્રફુલ પાનસેરીયા સામે પણ વિરોધનો સુર ઉઠવા પામ્યો છે.

ભાજપ દ્વારા કામરેજ વિધાનસભા બેઠક માટે પ્રફુલ પાનાસેરિયા પર પસંદગી ઉતારવામાં આવી છે. કામરેજ બેઠક પરથી પુર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરીયાને ટીકીટ જાહેર થતા ઘણી જગ્યાએ વરોધનો વંટોળ ઉઠયો હતો. સરથાણા જકાત નાકા વિસ્તારની સોસાયટીઓ બહાર પાનસેરીયા વિરોધી બેનરો લાગ્યા હતા. તો એક જગ્યાએ સોસાયટીની બહાર ભેગી થયેલી મહીલાઓએ પ્રફુલ પાનસેરીયા પાટીદાર વિરોધી, મહિલા વિરોધી અને વિરોધી હોવાના આક્ષેપ કરી આવા લોકો ચુંટાઈ આવશે તો મહિલાઓની સુરક્ષાનું શું? તેવા સવાલો ઉઠાવી તેમના ફોટા વાળા બેનરો સળગાવ્યા હતા.

કામરેજ વિધાનસભા બેઠક પર વર્ષ 2012માં પુણેશ મોદીએ સૌથી વધુ લીડ સાથે જીત હાંસલ કરી હતી જોકે વર્ષ 2017માં ભારે રસાકસી વાળી સ્થતિ હતી. અને પાટીદાર આંદોલનની અસર વચ્ચે આ બેઠક પર લોકોની નારાજગી ખાળવા ભાજપે ત્યારના સેટીંગ ધારા સભ્ય પ્રફુલ પાનસેરીયાને કાપીને કોર્પોરેશનની ચૂંટણીમાં હારેલા વીડી ઝાલાવાડીયાને મેદાને ઉતાર્યા હતા. જો કે હાલ 2022ની ચૂંટણીમાં ફરી આ બેઠક પર પૂર્ણેશ મોદીને મેદાને ઉતરતા તેમના જ પક્ષના નારાજ કાર્યકરોએ આ વિરોધ ઊભો કર્યો હોવાનું મનાઈ રહ્યું છે

ભાજપના ઉમેદવારોના નામની યાદી જાહેર થતાં સુરતમાં એક તરફ ભાજપ કાર્યકરો દ્વારા જશ્ન મનાવવામાં આવ્યો ત્યાં બીજી તરફ ભાજપનાજ કાર્યકરોમાં અંદરખાને નારાજગી જોવા મળી હતી. આમ કહી ખુશી કહી ગમના માહોલ વચ્ચે આજથી ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત કરી છે.

(7:44 pm IST)