ગુજરાત
News of Thursday, 11th November 2021

વયનિવૃતી બાદ કરાર આધારીત કર્મચારીઓની નિમણુંક કરવા પર મુખ્‍યમંત્રી દ્વારા ‘રૂક જાવ’ નો આદેશ

જાણો કઇ-કઇ પોસ્‍ટ પર નિમણુંક માટે મંજુરી લેવી પડશે : હવે મુખ્‍યમંત્રીની પૂર્વ મંજુરીથી જ કરાર આધારિત નિમણુંક થઇ શકશે : નહિ તો નિમણુંકો રદ થશે

ગાંધીનગર :  સરકારે વયનિવૃત્તિ બાદ કરાર આધારિત નિમણૂંક માટે પૂર્વ મંજૂરી ફરજિયાત કરી નાખી છે મહત્વનું છે કે આ આદેશ પહેલા વય નિવૃતિ બાદ ઉચ્ચ અધિકારીઓ સીધી રીતે કરાર આધારિત નિમણૂક આપી શકતા હતા. આથી સગાવાદ અને સાહેબશાહીને પ્રોત્સાહન મળતું હતું. ઘણા એવા પણ લોકો હતા જે વગર કામ રિટાયર્ડ થયા હોવા છતાં અધિકારીઓની ભલમનશાહીને કારણે કરાર આધારિત નોકરી કરતાં હતા પણ હવે સરકારના નિર્ણય પછી આવી રીતે નિમણૂક કરતાં પહેલા સરકારીની મંજૂરી લેવી જરૂરી કરાઇ છે.

વર્ગ 1,2,3ની જગ્યા સિવાય કોર્પોરેશન, બોર્ડ, નિગમ સંસ્થાઓમાં આ નિયમ લાગુ પડશે. જો કોઈ આ માટે લાયક કર્મચારી કે અધિકારીની વય નિવૃતિ બાદ કરાર આધારિત કામ પર લેવા હોય તો તે માટે મુખ્યમંત્રીની પૂર્વ મંજૂરીથી જ કરાર આધારિત નિમણૂંક થઈ શકશે. પહેલાની જેમ ઉચ્ચ અધિકારીઓ સીધી રીતે કરાર આધારિત નિમણૂંક નહી આપી શકે.

સરકારે આ માટે તમામ વિભાગો અને કચેરીઓમાં પરિપત્ર મોકલી દીધો છે. જેથી હાલમાં પણ કરાર આધારિત કામ કરતાં કર્મચારીએ હવે અધિકારી થ્રુ મુખ્યમંત્રીની પૂર્વ મંજૂરી લેવી પડશે. અને જો પૂર્વ મંજૂરી નહી લેવાઇ હોય તો તે તમામ નિમણૂંકો રદ ગણાશે.સચિવાલયના કોઇપણ વિભાગમાં અથવા ખાતાના વડાની કચેરીમાં અથવા રાજ્ય સરકારના કોઈ પણ બોર્ડ / કોર્પોરેશન માં નિવૃત્તિ બાદ કરાર આધારિત નિમણૂક આપતા પહેલા ઉચ્ચ અધિકારીઓ અને મુખ્યમંત્રી ની પૂર્વ મંજૂરી નહી લેવાઇ હોય તો તે તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી રદ બાતલ ગણાશેઅને આ સ્થાને નવી નિમણૂક ના થાય ત્યા સુધી - જે તે વિભાગ ખાતા / કચેરીના વડા કે બોર્ડ - કોર્પોરેશનના વહીવટ સંભાળતા મુખ્ય અધિકારીની જવાબદારી નક્કી કરવાની રહેશે.

(9:55 pm IST)