ગુજરાત
News of Wednesday, 11th November 2020

યુક્તિથી બજારમાંથી પોલીસે પોકેટમાર મહિલાને ઝડપી

તહેવારોમાં પોકેટમારો સામે સુરત પોલીસ સચેત : મહિલા પોલીસ કોન્સ્ટેબલ જીન્સ પહેરીને બજારમાં પાકીટ આસાનીથી તફડાવી શકાય એ રીતે ગઈ અને ચોર પકડાયો

સુરત, તા.૧૧ : એક તરફ દિવાળીની ખરીદી કરવા માટે બજારોમાં જોરદાર ભીડ ઉમટી રહી છે, ત્યારે પાકીટમારો પણ દિવાળી કરવા મેદાને આવી ગયા છે. તેમાંય શહેરના ચૌટાબજારમાં મહિલા ગેંગ દ્વારા જ ખિસ્સા કાપવાની ઘટના બની રહી હોવાનું સામે આવતા પોલીસે એવો દાવ અજમાવ્યો હતો કે જ્યાં શિકારી ખુદ શિકાર બની ગયો હતો. પોલીસે જીન્સ પહેરેલી એક મહિલા કોન્સ્ટેબલને સામાન્ય મહિલાની માફક જ બજારમાં મોકલી હતી. આ મહિલા પોતાનું વોલેટ આસાનીથી ચોરી શકાય તેવી રીતે ઉભી રહી હતી, અને તેને જોતા જ એક મહિલા તેની નજીક આવી હતી. આ મહિલા કોન્સ્ટેબલનું ખિસ્સું કાપવા ગઈ ત્યારે જ પોલીસ તેના પર ત્રાટકી હતી, અને તેને રંગેહાથ ઝડપી લીધી હતી. પોલીસના હાથે ઝડપાયેલી મહિલા પાકીટમારનું નામ નફીઝા કુરેશી હોવાનું જાણવા મળ્યું છે. તેની પાસેથી બીજું એક પર્સ મળી આવ્યું હતું, જેમાં ૧૪૦૦ રુપિયા કેશ હતા.

             પ્રાપ્ત વિગતો અનુસાર, તહેવારના સમયમાં સામાન્ય નાગરિકો ચોર-ઠગોનો ભોગ ના બને તે માટે પોલીસ ખાસ્સી સતર્ક બની છે. ભીડભાડવાળા બજારોમાં ચોર આસાનીથી શિકાર મેળવી લેતા હોવાથી પોલીસ લોકોને એલર્ટ પણ કરતી હોય છે. જોકે, આ વખતે પોલીસે ચોરને પકડવા અલગ જ પ્લાન બનાવ્યો હતો. અઠવા લાઈન્સ પોલીસે ચૌટાબજારમાં તેજલ નામની એક મહિલા કોન્સ્ટેબલને જિન્સ ટી-શર્ટ પહેરીને ચૌટાબજારમાં મોકલી હતી. મહિલા કોન્સ્ટેબલ કટલરીની એક દુકામાં પહોંચી હતી, અને ખરીદી કરવાનો ડોળ કરીને ત્યાં આંટા મારી રહી હતી. કોન્સ્ટેબલે પાછળના ખિસ્સામાં વોલેટ રાખ્યું હતું. જેને જોઈને મહિલા પાકીટમાર પણ તેની પાછળ ફરવા લાગી હતી. આખરે મોકો જોતા પાકીટમારે મહિલા કોન્સ્ટેબલનું પાકીટ સેરવવા જેવો હાથ ખિસ્સામાં નાખ્યો કે કોન્સ્ટેબલે તેનો હાથ પકડી લીધો હતો. આ દરમિયાન ઘટનાસ્થળે હાજર અન્ય પોલીસકર્મીઓએ પણ મહિલા પાકીટમારને કોર્ડન કરી લીધી હતી અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. જ્યાં તેણે અન્ય એક અજાણી મહિલાનું પાકીટ ચોર્યું હોવાની પણ કબૂલાત કરી હતી.

(9:07 pm IST)