ગુજરાત
News of Thursday, 11th October 2018

ખેડા: ડભાણ નેશનલ હાઇવે પર જુદા-જુદા 3 અકસ્માતના બનાવમાં ત્રણ મોતને ભેટ્યા : બેને ગંભીર ઇજા

ખેડા: જિલ્લામાં ડભાણ નેશનલ હાઈવે નં. ૮ કેનાલ નજીક સર્જાયેલા બે અકસ્માતમાં ટ્રકના ક્લીનરનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણને ઈજા થઈ હતી. આ ઉપરાંત અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર તોતીંગ ટેલર ટ્રક પાછળ અથડાતા બેના મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર વાહન ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ પોરબંદર જિલ્લાના વડાળા કોળીવાડમાં રહેતા અશોકભાઈ ઘેલાભાઈ મકવાણા આજે વહેલી પરોઢીયે ડમ્ફર ટ્રક નં. જીજે ૦૩ એ ડબલ્યુ ૮૯૩૩ હંકારી નેશનલ હાઈવે નં. ૮ ઉપરથી પસાર થતા હતા આ દરમ્યાન રાત્રીના સાડા ત્રણ વાગ્યે ડભાણ હાઈવે ઉપર આવેલી કેનાલ નજીક ટ્રક ઊભી રાખી હતી ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલ ટ્રક નં. જીજે ૨૫ યુ ૯૭૨૨ ધડાકાભેર અથડાતા ટ્રક ચાલક તથા ક્લીનરને ઈજા થઈ હતી. આ બનાવ અંગે ટ્રક ચાલક અશોકભાઈ ઘેલાભાઈ મકવાણાની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નંોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

આ ઉપરાંત ડભાણ હાઈવે નં. ૮ ઉપર કેનાલ નજીક રાત્રીના ચારેક વાગ્યે બીજો અકસ્માત સર્જાયો હતો. જેમાં જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના હતમતીયામાં રહેતા અમિતભાઈ મોતીભાઈ વીશલ ગત રાત્રે લક્ઝરી બસ નં. જીજે ૫બીવી ૫૫૦૦માં મુસાફરોને બેસાડી નેશનલ હાઈવે નં. ૮ ઉપરથી હંકારી જઈ રહ્યો હતો ત્યારે ડભાણ નજીક સામેની સાઈડે થયેલ અકસ્માત જોવા ટ્રક ચાલક અમીતભાઈ વિશલે બેફીકરાઈથી હંકારતા આગળ જતા આઈશર ટેમ્પા નં. જીજે ૨૭ વી ૨૯૫૭ પાછળ ખાલી સાઈડે અથડાવતા સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી રોડની ખાલી સાઈડે લોખંડની રેલીંગ તોડી ભારદ્વાજ કંપનીના મેઈન ગેટની દીવાલો સાથે અથડાવી હતી. આ લક્ઝરી બસનો અકસ્માત સર્જાતા ટ્રક ડ્રાઈવર અમિતભાઈ વિશળને ઈજા થઈ હતી. જ્યારે જાદવ ઉર્ફે ભરત નામના મુસાફરને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ચકુભાઈ હમીરભાઈ બામણીયા (રે. મેડારણા, સોમનાથ) ની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત અકસ્માતનો ત્રીજો બનાવ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર વહેલી પરોઢીયે સર્જાયો હતો. જેમાં દસકોઈ તાલુકાના કુબડથલમાં રહેતા જીતેન્દ્રપાલ રામપાલ ગઈકાલે રાત્રે ટ્રક નં. જીજે-૨ ઝેડ ૬૫૮૫માં જઈ રહ્યા હતા. આ ટ્રક અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે ઉપરથી જઈ રહી હતી, દરમ્યાન આજે વહેલી પરોઢીયે ચકલાસી આવી કોલ્ડ સ્ટોરેજ નજીક ટ્રક રોડની સાઈડમાં ઊભી રાખી હતી. ત્યારે પૂરપાટ ઝડપે આવેલ ટેલર નં. જીજે ૧૨ બીબી ૨૧૧૪ ઊભી રહેલ ટ્રક પાછળ અથડાઈ હતી. આ અકસ્માતમાં ટ્રક પાછળ ઊભેલા હરેન્દ્રપાલ (ઉંમર - ૨૬ વર્ષ) તથા આનંદીબાઈ (ઉંમર ૫૫ વર્ષ)નું ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે જીતેન્દ્ર પાલ રામપાલની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(5:25 pm IST)