ગુજરાત
News of Thursday, 11th October 2018

વિદ્યાનગર પોલીસ મથકની નજીક તસ્કરોએ સાત બંધ મકાનમાંથી લાખોની મતાની ઉઠાંતરી કરી

વિદ્યાનગર: પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ અધિકારીઓ જ્યાં વસવાટ કરે છે એ સોસાયટીમાં ગઈકાલે રાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ એનઆરઆઈઓના સાત જેટલા બંધ બંગલાના નકુચા-તાળા તોડીને લાખોની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર વિદ્યાનગરના વિનુકાકા માર્ગ ઉપર શાલીગ્રામ બંગલો નામની સોસાયટી આવેલી છે જેમાં વિદ્યાનગરના પીઆઈ સીમ્પી, પુર્વ એલસીબી પીઆઈ હરેશભાઈ વોરા સહિત એનઆરઆઈઓ રહે છે. મોટાભાગના પરિવારો વિદેશમાં રહેતા હોવાથી બંગલા બંધ છે.દરમ્યાન ગઈકાલે રાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા. જેઓએ એક બંગલાના પાછળના ભાગે દારૂની મહેફિલ માણવા સાથે સાત બંધ બંગલાના નકુચા તોડીને અંદર પ્રવેશ કરી જે કાંઈ મળ્યું તેની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. 

તસ્કરોએ ૫૩, ૪૧, ૫૮, ૧૫, , ૧૯ અને ૨૮ નંબરના બંગલાને નિશાન બનાવીને ચોરી કરી હતી. ઘટનાની જાણ સવારે રહીશોને થતાં જ ચકચાર મચી જવા પામી હતી. પોલીસે સોસાયટીના સીસીટીવી કેમેરા ચેક કરતાં ચાર જેટલા શખ્સો મોઢે બુકાની બાંધેલા દેખાયા હતા જેઓ ચોરી કરીને જતા કેમેરામાં કેદ થઈ જવા પામ્યા હતા. જે સાત બંગલાના નકુચા-તાળા તુટ્યા છે તેમાંથી કેટલાની મત્તા ચોરાઈ છે તેનો ચોક્કસ આંકડો હજી સુધી મળ્યો નથી. પરંતુ પ્રાથમિક રીતે વિદ્યાનગર પોલીસે ૩૫ હજારની ચોરીનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોડ તથા એફએલએલની મદદથી તપાસ હાથ ઘરી છે.

(5:22 pm IST)