ગુજરાત
News of Thursday, 11th October 2018

વાપીના બેઘર બનેલા 32 પરિવારોએ કરી ઈચ્છામૃત્યુંની માંગ

તંત્રના વાકે છેલ્લા 19 દિવસથી એક પ્લોટમાં રહેવા માટે મજબૂર થયાનો આરોપ

વાપીઃવાપીના 32 પરિવારોએ સામુહિક ઇચ્છામૃત્યુંની માંગણી કરી છે.આ પરિવારોનો આક્ષેપ છે કે તંત્રના વાકે તેઓ છેલ્લા 19 દિવસથી એક પ્લોટમાં રહેવા માટે મજબૂર બન્યા છે. આ અંગે અનેક વખત રજુઆતો પણ કરવામાં આવી છે, પરંતુ તંત્ર તેમની વાત સાંભળવા માટે તૈયાર નથી.

   આ અંગેની વિગત મુજબ વાપીના ગુંજન વિસ્તારમાં હાઉસિંગ સોસાયટીમાં 23મી તારીખે તેમના બિલ્ડિંગના ધાબાની દીવાલ તૂટી પડી હતી. આ બનાવમાં એક વ્યક્તિનું મોત થયું હતું તેમજ બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ બાદ તંત્રેએ આખું બિલ્ડિંગ ખાલી કરાવી દીધું હતું. જેના કારણે અહીં રહેતા 32 જેટલા પરિવારો બેઘર બની ગયા છે.

   આ તમામ પરિવારો બિલ્ડિંગ સામે આવેલા ખુલ્લા પ્લોટમાં રહેવા માટે મજબૂર બન્યા છે. એક સામાજિક સંસ્થાની મદદથી આ તમામ પરિવારો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

   બેઘર થયેલા પરિવારોનું કહેવું છે કે તંત્રના વાકે વૃદ્ધો અને બાળકોએ પણ ખુલ્લામાં રહેવા માટે મજબૂર થવું પડે છે. આ માટે 32 પરિવારોએ વડાપ્રધાન કાર્યાલય, મુખ્યમંત્રી કાર્યાલય, રાજ્યપાલ, ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશ્નર, પારડીના ધારાસભ્ય, વલસાડના સાંસદ, વલસાડ જિલ્લા કલેક્ટર અને વાપીના મામલતદારને એક પત્ર લખીને ઇચ્છા મૃત્યુંની માગણી કરી છે.

 

(12:34 pm IST)