ગુજરાત
News of Thursday, 11th October 2018

મહિલાએ કોર્ટમાં દાવો માંડયો : વજન ઉતારવાની સર્જરી વખતે

ડોકટરે મહિલાની નાભી અંદર ઉતારી દેતા રૂપિયા ૨ લાખ આપવા પડયા

અમદાવાદ તા. ૧૧ : વજન ઊતારવાની સર્જરી કરાવવા માટે ગયેલી મહિલાની નાભિ અંદર ઊતરી જતા આ નુકસાન બદલ તેમને રૂ.૨ લાખની રકમ આર્થિક વળતર પેટે મળી છે. ગ્રાહક સુરક્ષા કોર્ટે સર્જનને આદેશ કર્યો હતો કે, આ નુકસાન બદલ મહિલાને આર્થિક વળતર આપવામાં આવે. પોરબંદર નિવાસી અલ્પાબેન ગોરણીયાએ શહેરના ડો.વિશાલ પટેલ પાસે સર્જરી કરાવી હતી. જેમાં ડો. પટેલે અલ્પાબેનની મરજી વગર વજન ઘટાડવાની સર્જરીમાં તેમની નાભિ દૂર કરી નાંખી. તેથી અલ્પાબેને ડોકટર સામે દાવો માંડ્યો હતો.

તે સ્વીકારી શકતા ન હતા કે, સર્જરી કરાવવા છતાં તેમનું પેટ વધતું હતું અને આ રીતે સમગ્ર વજન પણ વધતું હતું. અલ્પાબેને ડો.પટેલના કિલનિકમાં તપાસ કરાવી હતી જેમાં તેમને ડોકના ભાગે ચાઠા થઈ ગયા હતા. જેની સારવાર કરવા માટે તબીબને કહ્યું હતું. પોતાની ફરિયાદમાં અલ્પાબેને સ્પષ્ટ કર્યું કે, ઓવર વેઈટને કારણે સર્જરી કરાવી હતી. ડોકટરે તેમને સર્જરી કરાવવા માટે સહમત કર્યા હતા. જેનાથી તેમનું વજન ૩૫ કિલો ઊતરી જશે અને તેઓ સુડોળ બની જશે.

તા. ૨૦ ઓકટોબર ૨૦૧૩ના રોજ અલ્પાબેને ઓબ્ડોમિનોપ્લાસ્ટિની સર્જરી કરાવી અને ડો. પટેલે તેમના પેટ પરની વધારાની ચરબી દૂર કરી દીધી. ત્યાર બાદે બે વર્ષ સુધી નિયમિત પરિણામ સારું મળ્યું. પણ પછીથી એવું લાગ્યું કે, બોડી સ્લીમ થતુ નથી. ફરિયાદમાં સ્પષ્ટ કર્યું છે કે, જયારે પેટ પર નાભિ રહી નથી એ વાત જાણવા મળી ત્યારે ખૂબ આઘાત લાગ્યો હતો. મન નિરાશ થઇ ગયું હતું. વર્ષ ૨૦૧૫માં, અલ્પાબેન વજન ૧૧૫ કિલો સુધી વધ જતા ડો. પટેલે તેમને વધુ એક બેરિયાટ્રિક સર્જરી કરાવવા માટે સલાહ કરી હતી.

આ વખતે તેઓ સહમત ન થયા અને તેણે ૨૦૧૬માં અમદાવાદ જિલ્લા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરી. પોતાના બચાવમાં ડો. પટેલે દાવો કર્યો કે, અલ્પાબેન ઓપરેશન બાદ યોગ્ય સાર-સંભાળ લેતા ન હતા. ડોકટરે પોતાની વાત પર ભાર મૂકતા ઉમેર્યું કે, અલ્પાબેને શરીરને સુડોળ કરવાની વાત કહી હતી પણ વજન ઊતારવાની કોઈ વાત અગાઉ કરી ન હતી. આ ઉપરાંત એ વાતનો પણ ઈન્કાર કર્યો કે, જાણ કર્યા વગર જ નાભિ દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો. ડો. પટેલે કહ્યું કે, આ માટે તેમની પરવાનગી લેવામાં આવી હતી.

પટેલે ઉમેર્યું કે અલ્પાબેને પેટ પરની વધારાની ચરબી દૂર કરવા અને નાભિને શેપમાં લાવવા માટે મારો સંપર્ક કર્યો હતો. જોકે, અલ્પાબેનના વકીલ સંઘ્યા નતાણીએ આ દાવાનો વિરોધ કર્યો હતો. ફોટા પરથી તપાસ કરીને કોર્ટે કહ્યું કે, ફોટામાં મહિલાની નાભિ કયાંય દેખાતી નથી નાભિના સ્થાને સ્ટ્રેચમાર્ક જોવા મળી રહ્યા છે. કોર્ટે નોંધ્યું કે મહિલાને આ પગલાંથી નુકસાન થયું છે. ડો. પટેલ સૌદર્ય માટે સુડોળ થવાની  પોતાની ડ્યુંટી કરવામા નિષ્ફળ સાબિત થયા છે. જેના કારણે મહિલાને સહન કરવાનો વારો આવ્યો છે. નાભિને અંદર ઊતારી દેવાય છે.(૨૧.૭)

(10:35 am IST)