ગુજરાત
News of Thursday, 11th October 2018

રૂપાણી જેને પરપ્રાંતિયો કહે છે, હું તેને હિન્દુસ્તાની કહીશ

પાચ વર્ષ કંઇ નહી કરનાર સરકાર આ મુદ્દે શું કરશે? : પરપ્રાંતિય પર થયેલ હુમલાઓ અને તેમની સુરક્ષાને લઇ હાર્દિક પટેલે રાજય સરકાર સામે સીધા સવાલો ઉઠાવ્યા

અમદાવાદ, તા.૧૦ : પાટીદાર નેતા હાર્દિક પટેલ આજે રાજકોટની મુલાકાત દરમ્યાન ફરી એકવાર ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. રાજકોટના આટકોટ ખાતે ગરબાના ઉદઘાટન પ્રસંગમાં હાજરી આપવા આવેલા હાર્દિકે પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જેને પરપ્રાંતીય કહે છે તેને હું હિન્દુસ્તાની કહું છું. પરપ્રાંતીયો પર હુમલાઓ અને તેઓની સુરક્ષાને લઇ હાર્દિક પટેલે રાજય સરકાર સામે સીધા સવાલો ઉઠાવ્યા હતા. હાર્દિકે સ્પષ્ટ કર્યું હતું કે, તેજસ્વી યાદવ સાથે વાત થઇ અને નીતિશકુમાર સાથે કોઇ વાત થઇ નથી. તમામ હિન્દુસ્તાનીને પાસ દ્વારા જરૂરી મદદ કરવામાં આવશે. અનામતના મુદ્દે ૫-૫ વર્ષે કોઇ નિર્ણય ન લઇ શકનાર રાજ્ય સરકાર આ મુદ્દે શું કરશે એમ કહી સરકાર પર માર્મિક સવાલ ચીંધ્યો હતો.

આગામી તા.૩૧ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી છે. જેને લઇને હાર્દિક પટેલે રાજકોટ જિલ્લાના સરપંચો સાથે બેઠક યોજી હતી. સરદાર પટેલની જન્મજયંતીને ઐતિહાસિક બનાવવા બધાએ સંકલ્પ લીધો હતો. હાર્દિકે જણાવ્યું હતું કે, સરદાર પટેલે ખેડૂતોને લઇને જે સ્વપ્ન જોયું હતું તે સ્વપ્ન સાકાર કરવાનું અમે કામ કરીશું. સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણીનો કાર્યક્રમ જૂનાગઢમાં યોજાશે. ખેડૂતોના અધિકાર તેમજ સામાજીક ન્યાયને લઇને જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સભામાં હજારો ખેડૂતો અને લોકો જોડાશે. આવી રીતે સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપીશું.

(7:33 pm IST)