ગુજરાત
News of Thursday, 11th October 2018

બેંકોની ૪૬૮ કરોડની લોન ભરપાઇ ન કરી શકનાર સુરતના સંઘવી ગ્રુપની મુશ્કેલી વધીઃ ૨૭ મિલ્કત જપ્ત કરાશે

સુરત: બેંકોને 468 કરોડ રુપિયાની લોન ભરપાઈ કરી શકનારા સંઘવી ગ્રુપની મુશ્કેલી વધી છે. ડાયમંડ બિઝનેસમાં એક સમયે મોટું નામ ધરાવતા સંઘવી ગ્રુપના સુરતમાં આવેલા પ્લોટ્સ, ઓફિસ, ફ્લેટ અને બંગલા જપ્ત કરવાની પ્રક્રિયા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરુ કરી દેવામાં આવી છે.

ચાર દિવસ પહેલા સંઘવી ગ્રુપને લોન આપનારી બેંકોએ તેની મુંબઈના ભારત ડાયમંડ બુર્સમાં આવેલી ઓફિસ જપ્ત કરી હતી. સુરત જિલ્લા કલેક્ટર ડૉ. ધવલ પટેલના જણાવ્યા અનુસાર, બેંકોના જૂથે લોનની વસૂલી કરવા સંઘવી ગ્રુપના માલિક ચંદ્રકાંત સંઘવીની માલિકીની પ્રપોર્ટી જપ્ત કરવા માટે અરજી કરી હતી. જેના આધારે કાર્યવાહી શરુ કરાઈ છે.

અત્યાર સુધીમાં ચંદ્રકાંત સંઘવીની 27 પ્રોપર્ટીની ઓળખ કરવામાં આવી છે. જે સુરતના કોટ વિસ્તાર ઉપરાંત, કતારગામ, આઠવાલાઈન્સ, મહિધરપુરા અને અડાજણમાં આવેલી છે. પ્રોપર્ટીમાં પ્લોટ, ફેક્ટરી બિલ્ડિંગ, લાઈટ હાઉસ બિલ્ડિંગનો સમાવેશ થાય છે. ઉપરાંત કતારગામના દાલિયા મહોલ્લામાં આવેલી ઓફિસોને પણ કબજે લેવાશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આઠવા, મજૂરા તેમજ કતારગામના મામલતદારોએ સંઘવી ગ્રુપની પ્રોપર્ટીને ટાંચમાં લેવાની કાર્યવાહી શરુ કરી દીધી છે. કાર્યવાહી પૂરી થયે તમામ પ્રોપ્રટી બેંકોને સોંપી દેવાશે અને બેંકો તેમની હરાજી કરી પોતે આપેલી લોનની વસૂલી કરશે. બેંકોએ ચંદ્રકાંત સંઘવી સહિત 20 ડિફોલ્ટરોને તમામ પ્રોપર્ટી 15 દિવસની અંદર ખાલી કરી દેવા પણ નોટિસ ફટકારી છે.

(5:52 pm IST)