ગુજરાત
News of Wednesday, 11th September 2019

સુરતના લસકાણા વિસ્‍તારમાં ખોલવડ ખાડીમાં યુવક તણાયા બાદ લોકોમાં રોષ ભભુક્યોઃ ધારાસભ્ય વી.ડી. ઝાલાવડિયાની ઓફિસે ઘેરાવ કરીને હોબાળો

સુરત: સુરતના લસકાણા વિસ્તારમાં આવેલી ખોલવડ ખાડીમાં એક યુવાન તણાતાં સ્થાનિક લોકો રોષે ભરાયા હતા. મોડી રાત્રે 200થી વધુ લોકોએ ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાની ઓફિસનો ઘેરાવો કરી હોબાળો મચાવ્યો હતો.

સુરતના છેવાડે આવેલા લસકાણા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ખોલવડ ખાડી બ્રિજનું કામકાજ બંધ છે. જે અંગે સ્થાનિકો દ્વારા સ્થાનિક ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાને મૌખિક અને લેખિક વારંવાર ફરિયાદ કરી હતી. તેમ છતાં તેમના દ્વારા કોઈ પગલાં લેવાયા ન હતા. જેથી સ્થાનિકો દ્વારા જાતે આ બ્રિજને કામ ચલાઉ તૈયાર કરવામાં આવ્યો હતો. દરમિયાન ગતરોજ જે રીતે મુશળધાર વરસાદ પડ્યો હતો જેને કારણે બ્રિજ ધોવાઈ ગયો હતો. જ્યાંથી એક બાઈક ચાલક પસાર થવા ગયો હતો.

એકાએક યુવાન બાઈક સાથે ખાડીમાં તણાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને સ્થાનિકો દોડી આવ્યા હતા અને યુવાનની શોધખોળ હાથ ધરી હતી. કલાકો સુધી શોધખોળ કરવા છતાં યુવાનનો પત્તો લાગ્યો ન હતો. જેથી સ્થાનિક લોકટોળુ ગુસ્સામાં આવી જઇ મોડી રાત્રે સ્થાનિક ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાની ઓફિસનો ઘેરાવો કરી હોબાળો મચાવવામાં આવ્યો હતો.

બ્રિજની કામગીરી કેમ શરૂ કરવામાં નથી આવી અને યુવાનના મોત પાછળ કોણ જવાબદાર એ અંગેના સવાલો કરી હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ ધારાસભ્ય ધ્વારા પણ સંતોષ કારક જવાબ નહિ મળતા લોકોમાં વધુ રોષ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા આજ ખાડીમાં 3 યુવાનો બાઈક સાથે તણાયા હતા. જો કે સ્થાનિક લોકોએ આ યુવાનને બચાવી લીધો હતો.

(5:09 pm IST)