ગુજરાત
News of Wednesday, 11th September 2019

ગુજરાતભરમાં મેઘરાજા અનરાધાર : અતિવૃષ્ટિના એંધાણ

ઝાપટાથી ૮ ઈંચ સુધીના વરસાદ સાથે ૧૧૭ ટકા વરસાદ નોંધાયોઃ ગોલ્ડન બ્રીજની સપાટી ૩૧ ફુટે... શહેરમાં પાણી ઘુસ્યા... કરજણ ડેમના ૭ દરવાજા ખોલાયા... ઉકાઈ ડેમમાંથી ૧.૨૫ લાખ કયુસેક પાણી છોડાતા તાપી ફરી બે કાંઠે..

વાપી, તા. ૧૧ :. ચોમાસાની સિઝનમાં પ્રારંભે ચિંતા કરાવ્યા બાદ હવે રહી રહીને કયાંક મેઘરાજાની અતિમહેર તો કયાંક મેઘરાજાના રૌદ્ર સ્વરૂપના પરચાને પગલે અને હજુ પણ વરસાદની આગાહીની સ્થિતિમાં રાજ્યભરમાં અતિવૃષ્ટિના એંધાણ જણાઈ રહ્યા છે. તો માંગરોળ તાલુકાના વાંકલ ગામે ભૂખી નદીના પાણી ફરી વળતા ૧૫ જેટલા પરિવારોનું સ્થળાંતર કરવુ પડયુ છે. પલસાણાના બારાસડીમાં બકરા ચરાવવા ગયેલ યુવાન તળાવમાં ડૂબી જવા પામ્યો છે તો ગણદેવી તાલુકાના ખાપરિયા ગામે ખેતીવાડી લાઈનનો જીવંત વીજતાર તુટી પડતા લખીબહેન નામની ૭૦ વર્ષીય વૃદ્ધા અકાળે મોતને ભેટી છે.

નવસારી પંથકમાં તેમા પણ ગણદેવી તાલુકામાં ભારે વરસાદને પગલે અંબિકા નદીએ ૬ મીટરની જળસપાટી વટાવતા નિચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ જણાઈ રહી છે. સુરતના માંડવી પંથકનો આંબલી ડેમ છલકાયો છે. કહેવાય છે કે ૨૦ વર્ષ બાદ અહી આટલુ પાણી જોવા મળ્યુ છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે આંકડામાં પ્રથમ ઉ.ગુજરાત પંથકમાં પાટણ જીલ્લાના તાલુકાઓમાં પાટણ ૧૪ મી.મી., રાધનપુર અને શંખેશ્વર ૧૯ - ૧૯ મી.મી., સિદ્ધપુર ૨૯ મી.મી. તો બનાસકાંઠા જીલ્લાના તાલુકાઓમાં ડીસા ૪૧ મી.મી., ધાનેરા ૧૭ મી.મી., કરજણ અને લાખાની ૧૮ - ૧૮ મી.મી., થરાદ ૫૦ મી.મી., વડગામ ૩૧ મી.મી. અને વાવ ૧૫ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

મહેસાણા જીલ્લાના તાલુકાઓમાં કડી ૭૧ મી.મી., ખેરાલુ અને વડનગર ૧૫ - ૧૫ મી.મી., સતલાસણા ૩૬ મી.મી. અને ઉંઝા ૩૨ મી.મી. તો સાબરકાંઠા જીલ્લાના તાલુકાઓમાં ખેડબ્રહ્મા ૧૩ મી.મી., પોસીના ૨૫ મી.મી., પ્રાંતિજ ૨૨ મી.મી. અને તલોદ ૨૭ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

અરાવલ્લી જીલ્લાના તાલુકાઓમાં બાયડ ૪૩ મી.મી., ધનસુરા ૩૭ મી.મી., માલપુર ૬૭ મી.મી. અને મેઘરજ ૨૯ મી.મી. તો ગાંધીનગર ૬૫ મી.મી. અને કલોલ ૩૨ મી.મી. વરસાદ નોંધાયેલ છે. જો કે કચ્છમાં મેઘરાજા વિરામ ઉપર જણાયા હતા.

પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં તો અહીં અમદાવાદ જીલ્લાના તાલુકાઓમાં અમદાવાદ સીટી ૮૭ મી.મી., બાવળા ૩૨ મી.મી., દસકોઈ ૫૦ મી.મી., દેત્રોજ ૨૯ મી.મી., ધંધુકા ૫૬ મી.મી., ધોલેરા ૪૯ મી.મી., ધોળકા ૨૧ મી.મી., માંડલ ૨૨ મી.મી., વિરગામ ૧૫ મી.મી. અને સાણંદ ૬૨ મી.મી. વરસાદ નોંધાયેલ છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ઝરમર ઝાપટાથી લઈ ૮ ઈંચ સુધીના ભારે વરસાદ સાથે રાજ્યમાં સિઝનનો કુલ ૧૧૭ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. જે કદાચ છેલ્લા ૬ વર્ષનો વધુ કહી શકાય.

રાજ્યમાં પડી રહેલા ભારેથી અતિભારે વરસાદ તેમજ પાડોશી રાજ્યોમાથી થઈ રહેલ મોટી માત્રામાં પાણીની આવકને પગલે મહત્વના નર્મદા તેમજ ઉકાઈ તથા રિજણ સહિતના ડેમોની જળસપાટી સતત વધતા એ ડેમોની રૂલ લેવલ સપાટી જાળવી રાખવા વાપી મોટી માત્રામાં પાણી છોડાતા ભારે તારાજી ઉભી થઈ છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટી ઐતિહાસિક સપાટીએ પહોંચતા અહીંથી ૮ લાખ કયુસેક જેટલુ મોટી માત્રામાં પાણી છોડાતા જેની સીધી અસર ભરૂચ પંથકને થઈ છે. ભરૂચના ગોલ્ડન બ્રીજ ઉપર ભયજનક સપાટી વટાવતા પાણી ભરૂચ શહેરમાં ઘુસ્યા છે.

ભરૂચ શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં આ પાણી ફરી વળતા અહીં હોડીઓ ફરતી થઈ છે. નર્મદામાંથી મોટી માત્રામાં પાણી છોડાતા ભરૂચ, અંકલેશ્વર તેમજ વડોદરા પંથકના કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. ભરૂચ પંથકમાંથી જ આશરે ૧૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરવાની તંત્રને ફરજ પડી છે.

ઉપરાંત નર્મદા જીલ્લામાં મેઘમહેરને પગલે કરજણ ડેમના ૭ દરવાજા ખોલી પાણી છોડવાની તંત્રને ફરજ પડતા અહીં કેળાના પાકને નુકસાન થતા અહીંના સ્થાનિક ખેડૂતોને માથે હાથ દઈ રડવાનો વારો આવ્યો છે.

આવી જ સ્થિતિ ઉકાઈ ડેમની છે. ઉકાઈ ડેમની જળ સપાટી આજે સવારે ૮ કલાકે ૩૩૯.૩૬ ફુટ પહોંચી છે. ડેમમાં ૭૯,૯૫૭ કયુસેક પાણીના ઈનફલો સામે ઉકાઈ ડેમના ૮ દરવાજા ૫ ફુટ અને ૪ દરવાજા ખોલી ૧,૨૭,૬૩૨ કયુસેક પાણી છોડાઈ રહ્યુ છે. જેને પગલે તાપી ફરી બે કાંઠે વહેતી થઈ છે. તાપીનું પાણી શહેરમાં ઘુસે નહિ તેની તકેદારી રૂપે વહીવટી તંત્ર કુલ ૫ ફલડ ગેટ માંડી રાત્રે ખોલી નંખાયા છે.

માંડવી પંથકમા પડેલા સાંબેલા ધાર વરસાદને પગલે અહીં પણ જનજીવન ખોરંભે ચડયુ છે. આમલી ડેમમાંથી ૧૫,૦૦૦ કયુસેક પાણી છોડાતા નિચાણવાળા વિસ્તારોના ૨૧ ગામોને એલર્ટ કરાયા છે.

જયારે ખેડા જીલ્લાના તાલુકાઓમાં કપડવંજ ૩૯ મી. મી., કાલાલ ૩૮ મી. મી., મહેમદાબદ ૪૯ મી. મી., મહુવા પપ મી. મી., માતર ૩૪ મી. મી., નડીયાદ ૪૩ મી. મી. અને વાસો પ૧ મી. મી., તો આણંદ જીલ્લાના તાલુકાઓમાં ખભાંત ૬પ મી. મી., સોજીત્રા ર૦ મી. મી., તારાપુર ૪૪ મી. મી. અને ઉમરેઠ ૧૩ મી. મી. વરસાદ નોંધાયેલ છે.

જયારે વડોદરા જીલ્લાના તાલુકાઓમાં ડભોઇ ૭૦ મી. મી., સાવલી ર૬ મી. મી. તો વડોદરા અને વાઘોડીયા ૩પ-૩પ મી. મી. તથા છોટા ઉદેપુર જીલ્લાના તાલુકાઓમાં બોડેલી ૧પ મી. મી. છોટા ઉદેપુર જીલ્લાના તાલુકાઓમં બોડલી ૧પ મી. મી., છોટા ઉદેપુર ૧૪ મી. મી., જેતપુર પાવી રર મી. મી. કવાટ ૩૦ મી. મી. અને સંખેડા ર૮ મી. મી. વરસાદ નોંધાયેલ છે.

દ.ગુજરાત પંથકને સૌ પ્રથમ અહીં ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં અંકલેશ્વર ર૦ મી. મી., ભરૂચ રપ મી. મી., હાંસોર ર૭ મી. મી., જંબુસર ર૮ મી. મી., ઝઘડીયા ૧૯ મી. મી., વાગરા પ૮ મી. મી., અને વાલિયા ૪૭ મી. મી. વરસાદ નોંધાયેલ છે.

નર્મદા જીલ્લાના તાલુકાઓમાં ડેડિયાપાડા ૧૩ મી. મી., અને તિલ્લવાડા  ૧૮ મી. મી. તો તાપી જીલ્લાના તાલુકાઓમાં ઉચ્છલ ૧ર મી. મી. વાલોળ ૬૧ મી. મી. વ્યારા ૩૦ મી. મી. અને દોલવડા ૮પ મી. મી., તો સુરત જીલ્લાના તાલુકાઓમાં બારડોલી ૩પ મી. મી., ચોર્યાસી ૯૪ મી. મી., કામરેજ પ૦ મી. મી., મહુવા ૮૮ મી. મી. માંડવી ૬ર મી. મી., માંગરોળ ૭૮ મી. મી., ઓલપાડ ૩૦ મી. મી., પલસાણા ૪૧ મી. મી., ઉમરપાડા ૧પ મી. મી. અને સુરત સીટી ૩ર મી. મી. વરસાદ નોંધયેલ છે.

જયારે નવસારી જીલ્લાના તાલુકાઓમાં ચીખલી ૩૮ મી. મી., ગણદેવી ૧૧૪ મી. મી., જલાલપોર ૯૮ મી. મી., ખેરગામ ૪૪ મી. મી. નવસારી ૯ર મી. મી. અને વાસદ ૧ર મી. મી. તો ડાંગ જીલ્લાના તાલુકાઓમાં વધઇ ૧૩ મી. મી., નોંધનીય વરસાદ નોંધાયેલ છે.

ઉપરાંત વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ધરમપુર ૩૦ મી. મી, કપરાડા પ૮ મી.મી., પારણ પ૩ મી. મી., ઉમરગામ ૪૧ મી. મી., વલસાડ પ૦ મી. મી., અને વાપી ૯૦ મી. મી. ભારે વરસાદ નોંધાયેલ છે.

આ લખાઇ રહયું છે ત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે દ.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઘેરાયેલા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ ચાલુ છે.

(3:28 pm IST)