ગુજરાત
News of Wednesday, 11th September 2019

આજથી વરસાદની માત્રા અને વિસ્તારો પણ ઘટશેઃ ચોમાસાનું ઉત્તર-પૂર્વના રાજયો તરફ પ્રયાણ

જો કે દક્ષિણ - મધ્ય ગુજરાતમાં બે - ત્રણ દિ' વરસાદી માહોલ જળવાઈ રહેશેઃ આજનો દિ' દરિયાકાંઠાના વિસ્તારોમાં શકયતા, બાકીના સૌરાષ્ટ્રમાં ઝાપટા વરસશે : શુક્રવારથી વાતાવરણ ચોખ્ખુ બની જશે : ચોમાસાની વિદાયવેળા પાછોતરો વરસાદ પડશે : હવામાન ખાતુ

રાજકોટ, તા. ૧૧ : સમગ્ર રાજયમાં મેઘરાજાએ મન મૂકીને 'હેત' વરસાવ્યો છે. ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. પુરતા પ્રમાણમાં વરસાદના પગલે આખુ વર્ષ ટનાટન જશે. દરમિયાન સૌરાષ્ટ્ર - કચ્છમાં આજથી વરસાદની માત્રામાં ઘટાડો થશે. ક્રમશઃ વિસ્તારો પણ ઘટવા લાગશે. જો કે હજુ બે થી ત્રણ દિવસ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે.

આજનો દિવસ સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે. હવે આગામી દિવસોમાં ચોમાસાનો વરસાદ ઉત્તર અને પૂર્વના રાજયોમાં થાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યુ છે કે આજનો દિવસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે જૂનાગઢ, જામનગર, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથમાં હળવા ઝાપટા પડશે. આવતીકાલથી વરસાદની માત્રામાં અને વિસ્તારો ઘટવા લાગશે. જયારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ બે થી ત્રણ દિવસ વરસાદી માહોલ જળવાઈ રહેશે.

(11:45 am IST)