ગુજરાત
News of Wednesday, 11th September 2019

રાજ્યના તમામ પોલીસ કર્મીઓ ટ્રાફિકના નિયમનું પાલન કરવું પડશે : ડીજીપી શિવાનંદ ઝાએ પરિપત્ર બહાર પાડ્યો

કોઈ પોલીસ જવાન કાયદાનો ભંગ કરશે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે

 

ગાંધીનગરઃ દેશભરમાં નવા ટ્રાફિક નિયમનો અમલ શરૂ થયા બાદ  રાજ્યમાં અનેક જગ્યાએ જોવા મળ્યું કે, પોલીસકર્મીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. બાબતની ચર્ચા સોશિયલ મીડિયામાં પણ શરૂ થઈ હતી. અનેક પોલીસ જવાનો હેલમેટ પહેર્યા વિના ડ્રાઇવિંગ કરી રહ્યાં હોય તેના વીડિયો પણ વાયરલ થયા હતા. ઘટનાને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો કે જે લોકો કાયદાનું પાલન કરાવે છે તે પોતે કાયદાનું પાલન કરતા નથી. ઘટનાની રાજ્યના ડીજીપીએ ગંભીર નોંધ લીધી છે.

  રાજ્યના DGP શિવાનંદ ઝાએ એક પરિપત્ર બહાર પાડ્યો છે. તેમાં સૂચના આપવામાં આવી છે કે રાજ્યના તમામ પોલીસ કર્મીઓ ટ્રાફિકના નિયમનું પાલન કરે. ડીજીપીએ કડક શબ્દોમાં કહ્યું કે, તમામ પોલીસ જવાનોએ તમામ નિયમોનું પાલન કરવું પડશે. જે કોઈ પોલીસ જવાન કાયદાનો ભંગ કરશે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જવાનોએ ખાતાકીય કાર્યવાહીનો પણ સામનો કરવો પડશે.

દેશભરમાં લાગૂ થયેલા મોટર વ્હિકલ એક્ટના નવા કાયદા બાદ લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકોને દંડમાં થોડી રાહત આપી છે

(10:53 pm IST)