ગુજરાત
News of Wednesday, 11th September 2019

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જુની ટેન્ટ સિટી તોડી પાડીને રજવાડી ઠાઠ સાથેની નવી ટેન્ટ સીટીનુ નિર્માણ

નર્મદા તા. ૧૦ :.. ઓકટોબર ર૦૧૮ ના રોજ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ૧૮ર મીટરની સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યુ હતું. એ બાદ દેશ-વિદેશથી પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે સતત આવે છે. અત્યાર સુધીમાં સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને કરોડો રૂપિયાની આવક પણ થઇ છે. હવે આગામી ઓકટોબર ર૦૧૯ ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રથમ વર્ષગાંઠ આવી રહી છે અને ઓકટોબરના સંભવિત કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવનારા તેવી શકયતાઓને લઇને હાલ જૂની ટેન્ટ સીટી તોડી નવી ટેન્ટ સીટી બનાવવામાં આવી રહી છે.

ગત વર્ષે ઓપનીંગ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટેન્ટ સીટી પણ બનાવવામાં આવી હતી, જેથી અહીં આવનારા મુસાફરો રાત મુકામ કરી શકે. પરંતુ જુની ટેન્ટ સીટી ખાતે કુલ પ૮ ટેન્ટ બની રહ્યા છે. જેમાં ૪ર પ્રીમીયમ, ૧૩ સુપર ડિલકસ, ર દરબારી અને ૧ મીની દરબારી ટેન્ટ બની રહ્યા છે.

આ તમામમાં વિશેષ ર દરબારી ટેન્ટ છે, જે ખાસ કરીને પીએમ મોદી અને અન્ય વીવીઆઇપીઓ માટે તૈયાર કરાઇ રહ્યા છે. દરબારી ટેન્ટ બુલેટ પ્રુફ બની રહ્યા છે. આ ટેન્ટની ખાસીયત એ છે કે એમાં કોઇપણ જાતના હથિયારોની અસર નહિ થાય. તેમાં એક ડાઇનીંગ હોલ, એક લિવિંગ એરીયા હશે. આ બન્ને ટેન્ટ બનાવવાની સાધન સામગ્રી ખાસ જોધપુરથી મંગાવી છે. દરબારી ટેન્ટ માટે બૂલેટ પ્રુફની કેટલીક વસ્તુઓ મલેશિયાથી પણ મંગાવાઇ છે.

નવા ટેન્ટ સીટીને બનાવવા વિશએ ટેન્ટ સીટીના પ્રોજેકટ મેનેજર હરિઓમ શર્મા કહે છે કે, પહેલા જે ટેન્ટ હતા એ કામચલાઉ હતાં. જયારે હાલમાં જે ટેન્ટ બની રહ્યા છે એ દરેક પ્રકારના વાતાવરણનો અભ્યાસ કર્યા પછી બનાવાઇ રહ્યા છે. લગભગ સપ્ટેમ્બરના અંત સુધીમાં ટેન્ટ સીટીનું કામ પુરૂ થઇ જશે અને પ્રવાસીઓ એનો આનંદ માણી શકશે.

(5:38 pm IST)