ગુજરાત
News of Wednesday, 11th September 2019

અંબાજી મેળામાં જતા યાત્રીકો માટે રિક્ષા ચાલક દ્વારા પાણીની પરબની સેવા

મહેસાણા તા., ૧૦:  ભાદરવી પુનમના મહામેળામા રાજ્યના ખુણેખુણા સહીત અન્ય રાજ્યના લોકો પણ અંબાજી ખાતે પગપળા માઁ અંબાની શરણે આવે છે. અંબાજી મંદિરના મેળાને લઈને અંબાજીને જોડતા તમામ માર્ગે બોલ માડી અંબે જય જય અંબેના નાદે ગુંજી ઉઠ્યા છે, તેવામાં રસ્તામાં પીવાના પાણીની સેવા માટે કોઈ તકલીફ ન થાય તે માટે એક રીક્ષા ચાલકે અનોખી પહેલ કરી છે.

મન હોય તો માંળવે જવાય તેવી ઉકિત આ રીક્ષા ચાલકે કરી બતાવી છે. સાધારણ દેખાતી અને રોજ મુસાફરી કરતા મુસાફરોને આ રીક્ષા સામાન્ય જ લાગશે પરંતુ આ રીક્ષા ચાલકે સેવાના ભાવથી પોતાની રીક્ષામાં પાણીની પરબ બનાવી દીધી છે. જે વિસનગરથી ઉમતા વચ્ચે આ રીક્ષા ચાલક ફરીને સેવા આપી રહ્યો છે.

આ રીક્ષા ચાલકે પોતાની રીક્ષામાં સીટની નીચે એક પાણીની ટાંકી બનાવી છે. જેમાં પાછળ અને આગળ બે નળ આપ્યા છે જેમાં રાહદારીને પીવાનું પાણી આપીને માં અંબાના દર્શને જતા ભકતોની સેવા કરી રહ્યા છે. આ દિલીપ કુમાર મૂળ વડનગરના સિપોર ગામના રહેવાસી છે. અને તો વિસનગર સુધી હાલમાં આ અનોખી પરબની સેવા દર્શન અર્થે જતા પગપાળા સંઘોને આપી રહ્યા છે. અને આ રીક્ષા ચાલક ૨૦૦૮થી આ સેવા આપી રહ્યા છે. અને માત્ર ભાદરવી પૂનમના મેળા પુરતુ જ નહિ બારે માસ એ આ સેવા આપી રહ્યા છે.

(5:35 pm IST)