ગુજરાત
News of Tuesday, 11th August 2020

માસ્કના નામે ઠગાઈ કરનારના આગોતરા જામીન ફગાવાયા

બે લાખના માસ્ક આપવાના નામે ઠગાઇ કરી હતી : ગંભીર ગુનો હોઇ આરોપીને જામીન ન આપી શકાય : કોર્ટ

અમદાવાદ,તા.૧૧ : માધુપુરામાં ૨ લાખ માસ્ક આપવાનું કહી વેપારી સાથે ૨૫ લાખની ઠગાઇ કરવાના પ્રકરણમાં આરોપીના આગોતરા જામીન અરજી એડિશનલ સેશન્સ જજ વી.એ.રાણાએ ફગાવી દીધા છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે, ૨૫ લાખની ઠગાઇ પૈકી આરોપીના ખાતામાં ૧૯ લાખ રૂપિયા જમા થયા છે. આરોપી સામે તપાસ જારી છે ત્યારે આવા કેસમાં આરોપીને જામીન પર મુક્ત કરી શકાય નહીં. આ કેસની વિગત એવી છે કે ૨ લાખ માસ્ક આપવાના બહાને માધુપુરામાં વેપારી સાથે ૨૫ લાખની ઠગાઇ કરવાના પ્રકરણમાં આરોપી તરૂણસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાએ આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, હું નિર્દોષ છું, ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો છે,

              કોર્ટને આગોતરા જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું. મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે એવી રજૂઆત કરી હતી કે, આરોપીએ ફરિયાદી સાથે ઠગાઇ આચરી હોવાના પુરાવા છે, ૨૫ લાખન ઠગાઇ પૈકી ૧૯ લાખ તરુણસિંહના ખાતામાં જમા થયા છે, આરોપી પાસેથી પૈસા રીકરવ કરવાના બાકી છે, આરોપીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે, આરોપી સામે આ પહેલાં પણ ગુનો નોંધાયેલો છે ત્યારે આવા આરોપીને આગોતરા જામીન પર મુક્ત કરવામાં આવે તો પુરાવા સાથે ચેડા કરે તેવી શક્યતા છે ત્યારે આરોપીને જામીન ન આપવા જોઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા હતા.

(9:38 pm IST)