ગુજરાત
News of Sunday, 11th August 2019

મોડાસાના અત્યાધુનિક નિર્માણાધીન બસ સ્ટેન્ડ વૃંદાવન સોસાયટી માટે મુસીબતરૂપ :દીવાલ ધરાશાયી થતા સાત મકાનને નુકશાન

પ્રોટેક્શન વોલ તૂટી જતા ૭ થી વધુ મકાનોનો પાછળનો ભાગ જમીનદોસ્ત થતા ગમે તે ઘડીયે ધરાશાયી થવાની દહેશત

મોડાસા :શહેરમાં ૬૫ કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક આઈકોનિક એરપોર્ટ જેવી સુવિધા ધરાવતા બસ સ્ટેન્ડ બનાવવાની જાહેરાત કરી ડિજિટલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું નિર્માણ થઈ રહેલું અત્યાધુનિક બસ સ્ટેન્ડ વૃંદાવન સોસાયટીના રહીશો માટે મુસીબતરૂપ બન્યું છે 
 મોડાસા અત્યાધુનિક બસ સ્ટેન્ડનું કામકાજ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારીના ભોગે બસ સ્ટેન્ડને અડીને આવેલ વૃંદાવન સોસાયટીની પ્રોટેક્શન વોલ તૂટી જતા ૭ થી વધુ મકાનોનો પાછળનો ભાગ જમીનદોસ્ત થતા ગમે તે ઘડીયે ધરાશાયી થવાની દહેશત પેદા થઈ છે. વરસતા વરસાદમાં સોસાયટીના રહીશો ઘર બહાર રાત વિતાવાનો વારો આવ્યો છે. સોસાયટીના રહીશોના કોન્ટ્રાક્ટરને રજુઆત કરવા છતાં કોન્ટ્રાક્ટરે પ્રોટેક્શન દીવાલ તૂટી જતા પડેલા ખાડાઓ પુરવા અને નક્કર કાર્યવાહી કરવાનું મુનાસીબ નહિ માનતા સોસાયટીના રહીશોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ૨ થી ૩ મકાન માલિકો તો ગભરાઈ જઈ મકાનોને તાળા મારી સંબંધીના ઘરે રહેવા મજબુર બન્યા છે.

  વૃંદાવન સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ  કોન્ટ્રાક્ટરને શરૂઆતમાં જ પ્રોટેક્શન દીવાલ અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું તેમ છતાં બેદરકારી દાખવી મનફાવે તેમ ખોદકામ કરતા પ્રોટેક્શન દીવાલ તૂટી જતા ૭ મકાનોના પાછળના ભાગે ભારે નુકસાન થતા આ અંગે નગરપાલિકાના તંત્ર અને ડિઝાસ્ટર તંત્રમાં રજુઆત કરતા દેખાવપૂર્તિ સ્થળ તપાસ કરી નગરપાલિકા ચીફ ઓફિસર, એન્જિનિયર અને ડિઝાસ્ટર તંત્ર દ્વારા પણ કોઈ કાર્યવાહી ન કરતા હાલ વરસાદ વરસતો હોવાથી ગમે ત્યારે મકાનો ધરાશાયી થવાની અને માલ-જાન ને નુકશાન થશે તો જવાબદારી તંત્રની રહેશેનું રોષ પૂર્વક જણાવ્યું હતું.

(7:39 pm IST)