ગુજરાત
News of Sunday, 11th August 2019

બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે ઉત્તર ગુજરાતના વિસનગરમાં રોડનો કેટલોક ભાગ જમીનમાં ગરકાવ

વિસનગર: ઉત્તર ગુજરાતમાં બે દિવસથી વરસાદની જમાવટને પગલે ઠેર-ઠેર અસર થઇ રહી છે. વિસનગર તાલુકા વહીવટીતંત્રની પ્રિ-મોન્સુન કામગીરી સામે સવાલ બન્યા છે. વિસનગરથી સુંસી ગામ તરફ જતો માર્ગ અગાઉથી જ બિમાર હોય તેમ સામાન્ય વરસાદમાં ધોવાઇ ગયો છે. માર્ગ પર અનેક જગ્યાએ ખાડા અને કેટલોક વિસ્તાર જમીનમાં ગરકાવ થઇ જતા અકસ્માતની ભિતિ બની છે. છેલ્લા કેટલાક દિવસોની માર્ગ પરની હાલાકીથી પ્રજાજનો મુશ્કેલી અનુભવી રહ્યા છે.

વિસનગરમાં ગતરાતે વધારે વરસાદ પડ્યો હોવાથી રોડ ઉપર ઘણી બધી મુશ્કેલી સર્જાયી છે. સુંસી ગામ તરફ વાહન પસાર કરવા માથાનો દુ:ખાવો સમાન બન્યો છે. રિક્ષા, બાઇક, કાર સાથે નીકળવા માટે રસ્તાની બાજુમાં રહેલી જગ્યાનો સહારો લેવો પડે છે.

માર્ગ પરની પરિસ્થિતિ જોતા ગમે ત્યારે અકસ્માત કે દુર્ઘટના થવાની સંભાવના છતાં માર્ગ મકાન વિભાગ ઘોર નિંદ્રામાં હોવાની આશંકા બની છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નીચેથી ગટર પસાર થાય છે. જે ઓવરફ્લો થવાથી રોડ પર ગંદકી ફેલાઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી તંત્રએ કોઈ ધ્યાન આપ્યું નથી. આથી સ્થાનિકો ખુબ હેરાન પરેશાન થઈ રહ્યા છે.

(5:59 pm IST)