ગુજરાત
News of Saturday, 11th August 2018

ચાંદખેડા, મોટેરા વિસ્તારોમાં અનેક અતિક્રમણો દુર કરાયા

અમદાવાદમાં અતિક્રમણો દુર કરવા કાર્યવાહી જારીઃ સીટીએમ રબારી કોલોની પાસે વડાપ્રધાન મોદીના ભાઇ પ્રહલાદ મોદી દ્વારા બાંધકામ સ્વેચ્છાએ દુર કરવાનું શરૂ

અમદાવાદ, તા.૧૧: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મોડલ રોડ સહિતના રોડ પરના ગેરકાયદે દબાણ હટાવીને તેને ટ્રાફિક માટે ખુલ્લા કરવાની ચાલી રહેલી ઝુંબેશ  આજે શનિવારના દિવસે પણ યથાવત રહી હતી. અમ્યુકો તંત્ર અને પોલીસ સ્ટાફના માણસો આજે શહેરના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ટ્રાફિક પોલીસના સંકલનમાં રહીને ચાંદખેડા, મોટેરા સહિતના વિસ્તારમાં ત્રાટકયા હતા અને બુલડોઝર-જેસીબી મશીન ફેરવી આ વિસ્તારોમાં મોટાપાયે ગેરકાયદે દબાણો, બાંધકામો અને અવરોધો દૂર કર્યા હતા. તો, શહેરના પૂર્વ વિસ્તારમાં સીટીએમ રબારી કોલોની પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદી કે જેઓ ગુજરાત રાજય ફેરપ્રાઇઝ શોપ્સ એસોસીએશનના પ્રમુખ પણ છે તેમણે પોતાના ગેરકાયદે કોમર્શીયલ બાંધકામને અમ્યુકોની નોટિસ બાદ આજે જાતે જ ખાનગી કોન્ટ્રાકટરોના માણસો દ્વારા હથોડો ચલાવી દૂર કરવાની શરૂઆત કરી હતી. અમ્યુકોની ડિમોલિશન ડ્રાઇવમાં પ્રહલાદ મોદીનો સહયોગ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. આજે અમ્યુકો તંત્ર દ્વારા શહેરના ચાંદખેડા, મોટેરા સહિતના વિવિધ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર, જેસીબી મશીન અને દબાણની ગાડીઓ સાથે ડિમોલિશન ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જેમાં મોટાપાયે રસ્તાને અડીને આવેલા ગેરકાયદે બાંધકામો, દબાણો, ઓટલા સહિતના અવરોધો દૂર કરવામાં આવ્યા હતા. છેલ્લા બારેક દિવસથી તંત્રની ડિમોલિશન ડ્રાઇવ અને ટ્રાફિક ઝુંબેશના કારણે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હવે માર્ગો ખુલ્લા અને મોકળા જણાઇ રહ્યા છે, જેને લઇ નગરજનોમાં પણ ભારે રાહતની લાગણી ફેલાઇ છે. ગઇકાલે તંત્ર દ્વારા પૂર્વ ઝોનમાં સૌથી વધુ ૧૬૮૪ દબાણ, મધ્ય ઝોનમાં ૪૯૮, દક્ષિણ ઝોનમાં ૪૭૪, ઉત્તર ઝોનમાં ૩૯૧, પશ્ચિમ ઝોનમાં ૩૮૧, ઉત્તર ઝોનમાં ૩૯૧ તેમજ નવા પશ્ચિમ ઝોનમાં ૧૩૩ દબાણ મળીને કુલ ૩પ૩૧ દબાણને દૂર કરાયા હતા. પૂર્વ ઝોનમાં એસ.પી. રિંગરોડ પરના દાસ્તાન સર્કલથી બાર્સેલોના સર્કલ વચ્ચેનાં દબાણ હટાવીને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા રૂ.૧.૭પ લાખનો દંડ વસૂલ્યો હતો. તો, પશ્ચિમ ઝોનમાં નારણપુરા વોર્ડમાં ૧૩ર ફૂટ રિંગ રોડ પર આવેલા સ્વામિનારાયણ એવન્યૂ, એઇસી ચાર રસ્તાથી નારણપુરા ગામ વચ્ચેના રસ્તા પરથી દબાણ દૂર કરાયાં હતાં. તેમજ વાસણા બસ સ્ટેન્ડથી એપીએમસી માર્કેટ સુધીના રોડને ખુલ્લો કરાયો હતો. આજે પશ્ચિમ ઝોનના ચાંદખેડા વિસ્તાર અને મોટેરા સહિતના વિસ્તારમાં તંત્રએ ડિમોલિશન ડ્રાઇવ ચલાવી ત્યારે બીજીબાજુ, મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગનાં અધિકારીઓએ આજે સવારથી ભદ્ર, અપનાબજાર, જિલ્લા પંચાયત વગેરે વિસ્તારમાં ફરીથી થયેલાં દબાણને દૂર કરવાની મહત્વની કવાયત હાથ ધરી હતી અને ફરીથી માર્ગો ખુલ્લો કરવાનો પ્રયાસ કર્યો હતો. અમ્યુકો તંત્રના અધિકારીઓ તરફથી દબાણકર્તાઓને ગંભીર ચેતવણી આપવામાં આવી હતી અને ગેરકાયદે દબાણની પ્રવૃત્તિથી દૂર રહેવા તાકીદ કરી હતી.

(8:38 pm IST)