ગુજરાત
News of Saturday, 11th August 2018

અંબાજી મંદિરે ભાજપના નેતાઓના સ્વાગત પાછળ લાખોનો કર્યો ખર્ચ :કોંગ્રેસનો આક્ષેપ

છેલ્લા બે વર્ષમાં ભાજપના નેતા-અધિકારીઓ માટે કુલ 7,39,310 ખર્ચ :ભેટ આપવા માટે 4,33,909 અને નાસ્તા-ભોજન માટે 3,5,401 રૂપિયાનો ખર્ચ કરાયો

અમદાવાદઃ અંબાજી મંદિરે ભાજપના નેતાઓના સ્વાગત પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે કોંગ્રેસના પ્રવક્તા હિમાંશુ પટેલે કહ્યું કે, મંદિરનું સંચાલન કરતા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં પૂર્વ મુખ્યપ્રધાન સહિત ભાજપ અધ્યક્ષ અમિતભાઈ  શાહના પરિવારજનો માટે ચા-પાણીનો ખર્ચ ટ્રસ્ટના નામે નાખ્યો છે

   માહિતી અધિકાર હેઠળ મળેલી વિગતો પ્રમાણે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં ડી.જે.રાવલ મહારાજ વિશ્રામ ગૃહ અંબાજી અને તેની પેટા સંસ્થાઓમાં વર્ષ 2015થી વર્ષ 2017 દરમિયાન કુલ 7,39,310 ખર્ચ ભારતીય જનતા પાર્ટીના નેતા તથા સરકારના અધિકારીઓ માટે કરવામાં આવ્યો હતો. જેમાં અંબાજી માતાના ફોટા, પંચધાતુના સિક્કા, કેલેન્ડર અને શ્રીયંત્ર ભેટમાં આપવા પાછળ 4,33,909 અને તેમના સ્વાગત, રહેવા, ભોજન અને નાસ્તા પાછળ 3,5,401 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે

  હિમાંશુ પટેલે જણાવ્યું કે, લાખો શ્રદ્ધાળુઓ યથાશક્તિ મુજબ માં અંબાના દર્શન કરી દાન કરતા હોય છે પણ હિન્દુત્વનો નકલી ચહેરો ધરાવતા ભાજપના મંત્રીઓ અને અધિકારીઓ તથા સંબંધિઓ મહેમાન બની લૂટી રહ્યાં છે. તેમણે માંગ કરી કે દ્વારકા અને સોમનાથમાં પણ ભાજપનો હિન્દુત્વના નામે થતો શિષ્ટાચાર બંધ થવો જોઈએ. કોંગ્રેસ દ્વારા ગુજરાત હાઈકોર્ટ અંગે સુઓમોટો લઈને કાયદાકીય કાર્યવાહી કરે તેવી માંગ પણ કરવામાં આવી છે

(8:20 pm IST)