ગુજરાત
News of Saturday, 11th August 2018

ભરૂચ પોલીસનો સપાટો : વિદેશી દારૂ ભરેલી છ લકઝરી કાર ઝડપી : ૧ કરોડનો મુદ્દામાલ સાથે છ આરોપીની અટકાયત

નર્મદા કેબલ બ્રીજ પાસે બે પાઈલોટીંગ કરતી કાર સાથે એક પછી એક છ વૈભવી કારોનો કાફલો પસાર થઈ રહ્યો હતો : ૬ ઝડપાયા, બે ફરાર

વડોદરા, તા. ૧૧ : ભરૂચ એલ.સી.બીએ સપાટો બોલાવ્યો છે ઝાડેશ્વરના કેબલ બ્રીજ નજીકથી વિદેશી દારૂ ભરીને પસાર થતી છ લકઝરીયસ કારને ઝડપી પાડી હતી અને કરોડ ઉપરાંતના મુદ્દામાલ સાથે છ આરોપીઓની અટકાયત કરી હતી.

ભરૂચ એલસીબી  બાતમીના આધારે નર્મદા નદી પરના કેબલ બ્રીજ પાસે વોચમાં હતી આ દરમિયાન બે પાઈલોટીંગ કરતી કાર સાથે એક પછી એક છ વૈભવી કારોનો કાફલો પસાર થઇ રહ્યો હતો. પોલીસે તેને અટકાવી તલાશી લેતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ વૈભવી કારોમાં ખુબ મોટા જથ્થામાં વિદેશી દારૂ નજરે પડ્યો હતો. પોલીસે હાલતો તમામ કાર જપ્ત કરીને આગળની તપાસ શરૂ કરી છે.

ભરૂચ એલસીબી પીઆઈ સુનિલ તરડે, પીએસઆઈ વાય. જી. ગઢવી સહિતની પોલીસ ટીમે લકઝરીયસ કાર સાથે દારૂની હેરાફેરી કરનાર ભરૂચ, રાજપીપળા, નડીયાદ અને વડોલના ૬ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે ૭ કારમાંથી વિવિધ બ્રાન્ડનો દારૂ નંગ ૨૯૮૮ બોટલો, કિંમત રૂ.૧૨.૮૦ લાખ કબ્જે કર્યો હતો. ઉપરાંત લકઝરી કાર, કિંમત રૂ.૫૯ લાખ મળી કુલ ૭૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

એલસીબીની રેડ દરમિયાન ભરૂચનો નયન અને તેનો ડ્રાઈવર ભાગી છૂટ્યા હતા. જયારે પરેશ ઉર્ફે ચકો ચૌહાણ (વડોદરા), વિકાસ મંડોરા (વડોદરા), કલ્પેશ બારોટ વડોળા, દિપક માછી, રાજપીપળા, સુનિલ દિક્ષિત, નડીયાદ ઝડપાયેલ છે. તેમની સામે વધુ તપાસ હાથ ધરી છે.(૩૭.૫)

(11:43 am IST)