ગુજરાત
News of Saturday, 11th August 2018

અમદાવાદમાં ટ્રાફિકના નિયમોને લઇને કડક બનેલી પોલીસની કડકાઇનો હાર્દિક પટેલને અનુભવ થયોઃ કારમાં બ્લેક ફિલ્મ હોવાથી ૬૦૦ રૂપિયાનો દંડ ફટાકારાયો

અમદાવાદઃ પાટીદાર નેતા હાર્દિક પટેલ પોતાના આગામી દિવસોમાં શરુ થનારા અનિશ્ચિતકાલિન ઉપવાસને લઈને ચર્ચામાં છે, ત્યારે આજે તેણે અમદાવાદના પોલીસ કમિશનર સાથે મુલાકાત કરવા પહોંચ્યો હતો. જોકે, પોલીસ કમિશનરની કચેરીમાં પ્રવેશતા પહેલા હાર્દિકને કડક બનેલી પોલીસનો પરિચય થયો હતો. ફોર્ચ્યુનેર કારમાં કમિશનર ઓફિસ પહોંચેલા હાર્દિકને ગેટ પર પોલીસે અટકાવ્યો હતો.

હાર્દિક પોતાના સમર્થકો સાથે આવવાનો હોવાથી પોલીસ કમિશનરની કચેરીએ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો હતો. હાર્દિક જેવો કમિશનર ઓફિસે પહોંચ્યો કે ગેટ પર તેની એસયૂવીને અટકાવવામાં આવી હતી, અને તેના પર બ્લેક ફિલ્મ લાગેલી હોવાથી પોલીસે તેને 600 રુપિયાનો દંડ ફટકાર્યો હતો. આમ છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિકના નિયમોને લઈને કડક બનેલી પોલીસની કડકાઈનો હાર્દિકને પણ અનુભવ થયો હતો.

જે ફોર્ચ્યુનેર કારમાં હાર્દિક આવ્યો હતો તેના પર ફિલ્મ લાગેલી હોવાથી દંડ ફટકારવા ઉપરાંત પોલીસે સ્થળ પર હાર્દિકની કારમાંથી ફિલ્મ પણ કાઢી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ટ્રાફિકના નિયમોને લઈને કડક બનેલી અમદાવાદ પોલીસ ગણતરીના દિવસોમાં મોટી સંખ્યામાં લોકોને દંડ ફટકારી ચૂકી છે, ત્યારે આજે હાર્દિક પણ પોલીસને અડફેટે આવી ગયો હતો.

હાર્દિક પટેલ સાથે પોલીસની ગાડી પણ હતી, જે તેની કારની આગળ ચાલી રહી હતી. હાર્દિક કમિશનર ઓફિસ આવ્યો ત્યારે ગાડી પણ તેની સાથે હતી. પોલીસની ગાડીના ડ્રાઈવરે પણ સીટ બેલ્ટ બાંધ્યો હોવાથી તે ગાડીને પણ પોલીસે અટકાવી હતી, અને ડ્રાઈવરને 100 રુપિયા દંડ ફટકાર્યો હતો. મહત્વનું છે કે, ગઈકાલે પોલીસે AMTS અને BRTSની બસો પણ ડોક્યુમેન્ટ્સ હોવાના કારણે ડિટેઈન કરી હતી.

હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી અનિશ્ચિતકાલિન ઉપવાસ શરુ કરી રહ્યો છે, અને તેના માટે તેણે નિકોલમાં જગ્યા પણ માગી છે. જોકે, હાર્દિકે કોર્પોરેશનની માલિકીના જે પ્લોટ પર ઉપવાસ આંદોલન શરુ કરવા માટે પરવાનગી માગી હતી તે પ્લોટને કોર્પોરેશને ફ્રી પાર્કિંગ પ્લોટમાં ફેરવી નાખતા વધુ એક વિવાદ ઉભો થયો છે.

હાર્દિકનો દાવો છે કે, તેના ઉપવાસથી ગભરાયેલી સરકાર નથી ઈચ્છતી કે કાર્યક્રમ સફળ થાય, અને તેને નિષ્ફળ બનાવવા બધું કરવામાં આવી રહ્યું છે. હાર્દિક ચિમકી પણ ઉચ્ચારી ચૂક્યો છે કે તેને પરવાનગી મળે કે મળે, તેનો કાર્યક્રમ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી દરમિયાન પણ હાર્દિકે પરવાનગી મળી હોવા છતાં સભાઓ સંબોધી હતી, અને તે બદલ તેની સામે ગુના પણ દાખલ થયેલા છે.

(5:45 pm IST)