ગુજરાત
News of Saturday, 11th August 2018

અનોખી જનસેવાઃ વલસાડની અેક હોસ્‍પિટલમાં કેન્સર જેવા જીવલેણ રોગોની સારવાર માત્ર ૧ રૂપિયાનું ટોકન લઇને કરવામાં આવે છેઃ ૧પ૦ બેડની હોસ્‍પિટલમાં નજીવા ખર્ચે દર્દીઓને જીવલેણ બિમારીમાંથી મુક્તિ અપાવવા પ્રયાસ

વલસાડઃ આજ આધુનિક યુગ બદલાતા ખાન પાન ,પ્રદુષણ અને વ્યસનના કારણે કેન્સર જેવા મહારોગ થાય છે. કેન્સર એટલે કેન્સલ માનવામાં આવે છે. જોકે ભારતીય આયુર્વેદમાં કર્ક રોગ એટલે કેન્સરને જડમૂળથી દૂર કરવા અનેક પધ્ધતિ છે. ત્યારે વલસાડના વાગલધરા ગામ ખાતે આવેલી એક હોસ્પિટલમાં માત્ર 1 રૂપિયામાં કેન્સરને નાથવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
પ્રભાવ હેમ કામધેનું ગીરીવિહાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત કેન્સર હોસ્પિટલ દેશના અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે. વલસાડથી 15 કિલોમીટર દૂર નેશનલ હાઇ-વે પર આવેલી હોસ્પિટલમાં 150 બેડની વ્યવસ્થા છે.
હોસ્પિટલમાં અનેક રોગની સારવાર આપવામાં આવે છે. હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે ખાસ વિભાગ બનાવેલો છે. હોસ્પિટલમાં દેશના અનેક રાજ્યોમાંથી દર્દીઓ કેન્સરના રોગની સારવાર કરવા આવે છે.
હોસ્પિટલમાં વર્ષમાં 5000થી વધારે કેન્સરના દર્દીઓ આવે છે. અહીં આવીને અનેક દર્દીઓની સારવાર બાદ તેઓ સ્વસ્થ થઈ ચુક્યા છે.
કેન્સરની સારવાર કરાવવા માટે મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ, રાજેસ્થાન, સિક્કિમ અને આંધ્રપ્રદેશમાંથી દર્દીઓ આવે છે. હોસ્પિટલમાં અંદાજે 100 દર્દીઓ એડ્મિટ રહે છે અને સારવાર માત્ર 1 રૂપિયાના ટોકન પર કરવામાં આવે છે.
દર્દીઓની દવાનો ખર્ચ પણ સામાન્ય રાખવામાં આવ્યો છે. સામાન્ય રીતે કેન્સરના દર્દીઓને સારવાર માટે  શહેરની હોસ્પિટલમાં લાખોનો ખર્ચ કરવો પડે છે. ત્યારે હોસ્પિટલમાં નજીવા ખર્ચે દર્દીઓને જીવલેણ બીમારીમાંથી મુક્તિ મળે છે

(5:42 pm IST)