ગુજરાત
News of Saturday, 11th July 2020

સુરતથી અમદાવાદ આવતી-જતી એસટી બસ બંધ કરાઈ

સુરતથી આવતા લોકોનું એન્ટ્રી પોઈન્ટ પર ચેકિંગ : હવે ખાનગી વાહનોનું સ્કેનિંગ કરાશે : સુરતમાં કોરોનાનું સંક્રમણ અચાનક વધી જતા અમદાવાદનું તંત્ર એલર્ટ થયું

અમદાવાદ, તા. ૧૧ : કોરોનાના સંક્રમણને પગલે સુરતથી અમદાવાદ આવતી-જતી એસટી બસો બંધ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ પ્રવાસીઓના સ્વાસ્થયની સલામતીના કારણોસર બસો બંધ કરવામાં આવી છે. જોકે, સુરતથી ખાનગી વાહનોમાં અમદાવાદ આવતા લોકોનું એન્ટ્રી પોઈન્ટ પર સ્કેનિંગ કરવામાં આવશે. સુરતથી અમદાવાદ આવી રહેલા ૫૭૪ લોકોમાંથી ૨૩ લોકો કોરોના સંક્રમિત જણાયા છે. જેમાંથી ૧૯ લોકોને પરત સુરત મોકલી દેવામાં આવ્યા છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ અચાનક વધી જતા અમદાવાદનું તંત્ર એલર્ટ થયું છે. સુરતથી અમદાવાદ આવવાના તમામ એન્ટ્રી પોઈન્ટ પર છસ્ઝ્રની આરોગ્ય ટીમ દ્વારા લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એન્ટ્રી પોઈન્ટ પર ટેન્ટ બાંધીને ખાનગી વાહનોમાં આવતા તમામ લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે.

સુરતથી અમદાવાદ ખાનગી વાહનોમાં આવતા લોકોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. ખાનગી ટ્રાવેલ્સે પણ અમદાવાદથી સુરતનું બુકિંગ બંધ કરી દીધું છે. ખાનગી અને પીકઅપ વાહનોના મુસાફરોનું એક્સપ્રેસ વેના ટોલનાકા પર ચેકિંગ ચાલુ છે.

સુરતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૦થી વધુ કેસ નોંધાયા છે. સુરતમાં છેલ્લા ઘણા દિવસથી ૨૦૦થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાં કોરોનાના ૨૦૨ નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં હવે દરરોજ ૧૫૦ની આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૫૩ કેસ નોંધાયા છે.

(7:39 pm IST)