ગુજરાત
News of Friday, 11th June 2021

નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ચીનકુવા ગામ પ્રાથમિક સુવિધાથી વંચિત : PMOમાં રજુઆત થતા તંત્ર દોડતું થયું

આઝાદી પછી પણ રસ્તા, પાણી, આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ થઈ નથી : અનેક રજૂઆત છતાં ઉકેલ નહીં

નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ચીનકુવા ગામમાં આઝાદી પછી પણ રસ્તા, પાણી, આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ મળી નથી .ગ્રામજનો ઘણી વાર આ મામલે તંત્રને રજૂઆતો કરતા આવ્યા છે.એ રજૂઆતો બાદ પણ તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા ચીનકુવાના ગ્રામજનોએ પી.એમ પોર્ટલ પર ફરિયાદ કર્યા તંત્ર દોડતું થયું છે.

નર્મદા જિલ્લાના ખુબ અંતરિયાળ ગામ ચિનકુવાના ગ્રામજનો આઝાદીના 75 વર્ષે પણ પાણી રસ્તા શિક્ષણ, આરોગ્ય જેવી પાયાની સુવિધાઓથી વંચિત હોવા છતાં કોઈ સરકાર કે કોઈ તંત્ર આ ગામમાં સુવિધા પહોંચાડવા નિષ્ફળ રહ્યુ છે.ઉંચા ડુંગર પર આવેલ આ ગામના 300 જેટલા લોકો પાયાની સુવિધાઓ વગર હાલ જીવી રહ્યા છે.રજૂઆતો કરી કંટાળેલા ગ્રામજનોએ અંતે સીધી જ પી.એમ ને ફરિયાદ કરી હતી.જેથી નર્મદા જિલ્લાના અધિકારીઓની એક ટીમ ચીનકુવા ગામે પહોંચી સર્વેની કામગીરી હાથ ધરી હતી.

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માંડણ ગામથી 3 થી 4 કિમિ ઉંચાઈના ડુંગર પર આવેલું ચિનકુવા ગામમાં 300 થી વધુ વસ્તી અને 50 થી વધુ છુટા છવાયા ઘરો આવેલા છે.એક તરફ ચિનકુવા ગામની બિલકુલ નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયું અને એની આસપાસના વિસ્તારમાં ભરપૂર વિકાસ કરવામાં આવ્યો પરંતુ આઝાદીના 75 વર્ષ થયા છતાં ચીનકુવા ગામમાં હજુ સુધી વિકાસ પહોંચ્યો જ નથી, આ ગામમાં કોઈ બીમાર પણ પડે તો 108 ને પહોંચવામાં પણ ઘણી તકલીફ પડે એવા તો રસ્તાઓ છે.ગ્રામજનોએ સુવિધાઓ મામલે કેટલીયે વાર નર્મદા જિલ્લા વહીવટીતંત્રને રજૂઆતો કરી પણ સરવાળે મીંડું, તંત્ર પણ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતું જ રહ્યું. હવે આખા રાજ્યમાં કદાચ આ જ ગામ એવું હશે કે જ્યાં કાચા ઝુંપડામાં શાળા ચાલતી હશે.એ ગામમાં પાણી માટે માત્ર 2 કુવા જ છે.

ચીનકુવા ગામના જેસીંગભાઇ દલસુખભાઈ વસાવાએ ગ્રામજનો સાથે ભેગા મળી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને PMO પોર્ટલ પર ફરિયાદ કરતા PMO માંથી રાજ્ય સરકાર સુધી અને ત્યાંથી નર્મદા જિલ્લા કલેકટર સુધી રેલો આવ્યો.અંતે નર્મદા જિલ્લા કલેકટરે ચીનકુવા ગ્રામજનોની ફરિયાદ મામલે સ્થળ તપાસના આદેશ આપતા ગરુડેશ્વર મામલતદાર અને ગામના તલાટી ચિનકુવા ગામે પહોંચી જરૂરી સમસ્યાની જાત તપાસ કરી હતી.દરમિયાન ત્યાં બે કુવા રીપેર કરવાના ત્રણથી ચાર રોડ અને બે પ્રોટેક્શન વોલ, 3 કીમીનો ડામર રોડ બનાવવાના આયોજનની લેખિત માહિતીનો રિપોર્ટ નર્મદા જિલ્લા કલેક્ટરને કર્યો હતો.આમ ગ્રામજનોને હવે એક આશ બંધાઈ છે કે હવે ગામને પાયાની સુવિધાઓ મળશે

(9:36 pm IST)